નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે પાર્ટીના કાર્યકર્તાઓને રાજ્યમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા કહ્યું છે.પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓને સમય બગાડ્યા વિના ઘરે-ઘરે જઇને લોકોને કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકારની જનતા વિરોધી નીતિઓ અંગે જાગરૂકતા ફેલાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે, અમે મહાપરિવર્તન લાવવાના પ્રયાસો ચાલુ રાખીશું. સપા અધ્યક્ષે બહુજન સમાજ પાર્ટી સાથેના પોતાના અસફળ ગઠબંધન પર કોઇ ટિપ્પણી કરી નહોતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સમાજના તમામ વર્ગો, વિશેષ કરીને પછાત વર્ગના લોકો સુધી પહોંચવાના નિર્દેશ  આપ્યા હતા.અખિલેશ યાદવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ જૂઠ અને ખોટા તથ્યો બતાવે છે. જ્યારે સમાજવાદીઓ પાસે એવી વિચારધારા છે જે તેમનું માર્ગદર્શન કરે છે. યુવાઓ ગંભીર સંકટમાં છે. એટલા માટે અમે કોલેજ, યુનિવર્સિટી સુધી પોતાની પહોંચ વધારવી પડશે. યુવાઓ માટે કોઇ રોજગાર નથી અને તેમનું ભવિષ્ય ધૂધળું છે. યાદવે કહ્યું કે, તેમની પાર્ટી 2022માં સત્તામાં પાછી ફરશે કારણ કે તેમની સરકારે રાજ્યમાં સૌથી વધુ વિકાસ કર્યો હતો. ભાજપને 2017માં મત આપનારાઓને પસ્તાવો થઇ રહ્યો છે. આપણે ખૂબ મહેનત કરવાની છે અને વિધાનસભા ચૂંટણીમાં પાછા ફરવાનું છે.