Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે, પછી તો 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને પણ હટાવવા માટે કહેશે અને પછી RBI દ્વારા જારી કરવામાં આવેલી દરેક નોટમાંથી પણ. પછી શું ભાજપવાળા વધુ એક નોટબંધી લઈને આવશે?
આ પહેલા અખિલેશ યાદવે બુધવારે દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'ઈન્ડિયા' માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે. યાદવે કહ્યું કે, "ઈન્ડિયાનો મતલબ છે બધાને સાથે લઈને ચાલવાનું છે. દરેકને સમૃદ્ધિના માર્ગ પર લાવવા માગીએ છીએ. આપણી મિશ્ર સંસ્કૃતિ, આપણા ભાઈચારાનો સંદેશ. ઈન્ડિયાનો અર્થ એ છે કે આપણે બધાને સાથે લઈને ચાલીશું. તો પછી ભાજપને આનાથી કઈ વાતનો ડર છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું,દેશમાં ભાજપની સરકાર 2014માં આવી, હવે અમે તેને 2024માં બહાર મોકલીશું. તેમણે આગળ કહ્યું કે, ગઠબંધનથી બીજેપી પુરી રીતે ડરેલી છે અને તેમને ઈન્ડિયા નામથી પરેશાની છે. બુધવારે મેરઠ પહોંચેલા સપા પ્રમુખે સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્ન પર કહ્યું કે, મુખ્યમંત્રીને કંઈ ખબર નથી. આગ્રામાં મ્યુઝિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યું હતું કે ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. તાજમહેલ જોવા આવતા લોકોને આ મ્યુઝિયમના બહાને સમગ્ર ભારતની સંસ્કૃતિ વિશે જણાવવું જોઈએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે અગાઉની સપાની આગેવાનીવાળી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ઔરંગઝેબની યાદમાં આગ્રામાં મ્યુઝિયમ બનાવી રહી હતી, જ્યારે તેમની સરકાર છત્રપતિ મહારાજ શિવાજીની સ્મૃતિને જાળવી રાખવા માટે તે જ જિલ્લામાં એક મ્યુઝિયમ બનાવી રહી છે. અખિલેશ યાદવે કહ્યું કે, વાસ્તવમાં ભાજપને એ વાતની ચિંતા છે કે આ વખતે જનતા નક્કી કરશે કે એક તરફ એવા લોકો હશે જેઓ ભારત અને ભારતના બંધારણને બચાવવા માગે છે અને બીજી તરફ એવા લોકો હશે જેઓ ભારતના સંવિધાનને નષ્ટ કરવા માગે છે. આવી સ્થિતિમાં જે લોકો બંધારણને ખતમ કરવા માંગે છે તેઓ ડરી ગયા છે અને ભયભીત લોકોની ભાષા બદલાતી રહે છે.