Delegation of INDIA Manipur Visit: મણિપુર હિંસાના મામલામાં સંસદથી લઈને સડક સુધી હંગામો થયો છે. રાજ્યસભા અને લોકસભામાં વિરોધ પક્ષો મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. હવે શનિવારે (29 જુલાઈ), વિરોધ પક્ષોના મહગઠબંધન ઈન્ડિયા (INDIA)નું એક પ્રતિનિધિમંડળ મણિપુરમાં પહાડી વિસ્તાર અને ખીણ પ્રદેશની મુલાકાત લેશે.
કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે 29 અને 30 જુલાઈના રોજ વિરોધ પક્ષોનું ગઠબંધન મણિપુરમાં હિંસા પ્રભાવિત રાહત શિબિરોની મુલાકાત લેશે. તેમાં 16 પક્ષોના 20 સાંસદો સામેલ થશે. પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ નેતાઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને પીડિતો સાથે વાત કરશે. અમે મણિપુરના લોકોને સંદેશ મોકલીશું કે અમે તેમની સાથે ઉભા છીએ. અમે તે પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અમારી ક્ષમતા પ્રમાણે બધું કરીશું. સૈયદ નાસિર હુસૈને જણાવ્યું હતું કે 30 જુલાઈએ સવારે 10 વાગ્યે ઈન્ડિયા ગઢબંધનના સાંસદો રાજ્યપાલને પણ મળશે.
પ્રતિનિધિમંડળમાં આ સાંસદોના નામ સામેલ છે
પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોલ અને ફૂલો દેવી નેતામ, JDU તરફથી અનિલ પ્રસાદ હેગડે અને રાજીવ રંજન, TMC તરફથી સુસ્મિતા દેવ, DMK તરફથી કનિમોઝી કરુણાનિધિ, CPI તરફથી સંદોષ કુમાર પી, CPI(M) તરફથી એએ રહીમનો સમાવેશ થાય છે. NCP તરફથી PP મોહમ્મદ ફૈઝલ, IUMLમાંથી ઈટી મોહમ્મદ બશીર, RSP તરફથી એનકે પ્રેમચંદ્રન, AAP તરફથી સુશીલ ગુપ્તા, શિવસેનામાંથી અરવિંદ સાવંત, VCKમાંથી ડી રવિકુમાર અને થિરુ થોલ થિરુમાવલવન, RLDમાંથી જયંત સિંહ, SPમાંથી જાવેદ અલી ખાન અને જેએમએમ તરફથી મહુઆ માજીનો સમાવેશ થયા છે.
સીબીઆઈએ વાયરલ વીડિયો કેસની તપાસ તેજ કરી
મણિપુરના વાયરલ વીડિયો કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ ઝડપી કરવામાં આવી છે. હવે આરોપીઓની ધરપકડની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મહિલા વીડિયો કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 FIR નોંધાઈ છે.