નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના વડાઓ સુંયુક્ત રીતે રેલીઓ કરી મતદારોને મનાવવાનો પ્રયાસ કરશે. ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને રાષ્ટ્રીય લોક દળ વચ્ચે ગઠબંધન થયું છે એવામાં અખિલેશ યાદવ, માયાવતી અને અજિત સિંહ સાથે મળીને રાજ્યમાં 11 રેલીઓ કરશે. સપાના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના પ્રમુખ માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહ સંયુક્ત રેલીઓની શરૂઆત સાત એપ્રિલથી કરશે જે 16 મે સુધી ચાલશે. આ દરમિયાન ત્રણેય દળના ટોચના નેતાઓ 11 રેલીઓ કરશે. પ્રચાર સામગ્રી, પાર્ટી ધ્વજમાં આ તમામ નેતાઓની તસવીરો અને ચૂંટણી ચિન્હન સંયુક્ત રીતે જોવા મળશે.


ત્રણેય નેતાઓ રેલીઓ કરીને પોતાના કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ધરાવતી બીજેપી વિરુદ્ધ એકજૂથ થવાનો સંદેશ આપશે. ચૌધરીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ગઠબંધને પોતાના ઉમેદવારોની જીત અને ભાજપ સામે લડવા માટે સંયુક્ત રેલીઓ કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રેલીઓથી એ સંદેશ જશે કે ગઠબંધનમાં સામેલ દળોના કાર્યકર્તાઓ એક છે અને તે બીજેપીને હરાવવા માટે તૈયાર છે. પ્રથમ રેલી સાત એપ્રિલના રોજ દેવબંદમાં થશે. જેમાં સહારનપુર, કૈરાના, બિજનૌર અને મુઝફ્ફરનગર બેઠકના કાર્યકર્તાઓ સામેલ થશે. જ્યારે 13 એપ્રિલના રોજ બદાયૂ લોકસભા ક્ષેત્રમાં રેલી થશે.

રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, 16 એપ્રિલના રોડ આગ્રા, 19 એપ્રિલ મૈનપુરી, 20 એપ્રિલ રામપુર, 25 એપ્રિલના રોજ કન્નૌજમાં રેલી થશે.નોંધનીય છે કે મૈનપુરી બેઠક પરથી મુલાયમ સિંહ યાદવને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે એક મેના રોજ ફૈઝાબાદમાં યોજાનારી સંયુક્ત રેલીમા બારાબંકી, ફૈઝાબાદ અને બહરાઇચ લોકસભા ચૂંટણીના કાર્યકર્તાઓ સામેલ થશે. તે સિવાય આઠ મેના રોજ આઝમગઢમાં રેલી યોજાશે. 13મે ના રોજ ગોરખપુર, મહારાજગંજ અને કુશીનગર લોકસભા ચૂંટણી માટે સંયુક્ત રેલી ગોરખપુરમાં થશે. જ્યારે ગઠબંધનની અંતિમ રેલી 16 મેના રોજ વારાણસીમાં યોજાશે.