નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે માહોલ તણાવભર્યો છે. આ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્યને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી છે. સંરક્ષણ મંત્રાલય મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતીય કંપની પાસેથી 10 લાખ મલ્ટી-મોડ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ જાણકારી આપી હતી. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો ભારતીય સૈન્યને મજબૂતી મળી શકે છે.


સરકારી સૂત્રોએ એએનઆઇને મળેલી જાણકારી અનુસાર, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મંત્રાલયમાં આ સપ્તાહે હાઇ લેવલ બેઠક થવાની છે. આ બેઠકમાં ભારતીય કંપનીએ બનાવેલા 10 લાખ હેન્ડ ગ્રેનેડને ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં સૈન્ય માટે રાઇફલ ખરીદવાના પ્રસ્તાવ પર સાઇન કરવામાં આવી હતી.

ભારત સરકારે પુલવામા હુમલા બાદ જ અમેરિકા પાસેથી 75 હજાર સિગ સોર અસોલ્ટ રાઇફલ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારની અંદાજીત કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ છે. તે સિવાય 7.5 લાખ અત્યાધુનિક એકે-203 રાઇફલ ભારત-રશિયાના જોઇન્ટ વેન્ચર હેઠળ ભારતમાં બનાવવામાં આવશે. આ તમામ અમેઠીની વેપન્સ ફેક્ટરીમાં બનશે.