નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ કર્ણાટકના અયોગ્ય ઠેરવાયેલા તમામ 17 ધારાસભ્યો આવતીકાલે ગુરુવારે ભાજપમાં સામેલ થશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ ધારાસભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. ભાજપમાં સામેલ થનારા નેતાઓમાં કોગ્રેસના પ્રતાપ ગૌડા પાટિલ, બીસી  પાટિલ, શિવરામ હેબ્બર, એસટી સોમશેખર, વ્યરાતિ બાસવરાજ, આનંદ  સિંહ, આર રોશન બેગ, મુનિરત્ના, કે સુધાકર, એમટીબી  નાગરાજ, શ્રીમંત પાટિલ, રમેશ જાર્કિહોલી, મહેશ કમાતાહલ્લી અને આર શંકર  જ્યારે જેડીએસના એએચ વિશ્વનાથ, ગોપાલૈયાહ અને નારાયણ ગૌડા સામેલ છે અને આ નેતાઓ આવતીકાલે સવારે સાડા 10 વાગ્યે ભાજપમાં સામેલ  થશે.


સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટકના અયોગ્ય જાહેર કરાયેલા 17 ધારાસભ્યો પર નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના  ચુકાદામાં સ્પીકર દ્ધારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. એટલે કે કોગ્રેસ અને જેડીએસના આ 17 ધારાસભ્યો હવે અયોગ્ય સાબિત થઇ ગયા છે પરંતુ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી રાહત આપી છે.

કર્ણાટકમાં પાંચ ડિસેમ્બરના રોજ 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. એવામાં અયોગ્ય જાહેર થઇ ચૂકેલા આ ધારાસભ્યો પોતાનું નસીબ અજમાવશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, વિધાનસભા સ્પીકર એ નક્કી નથી કરી શકતા કે ધારાસભ્ય ક્યાં સુધી ચૂંટણી નહી લડી શકે.