નવી દિલ્હી:પાકિસ્તાની સીમામાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી કરવામાં આવેલી કાર્યવાહીને લઈને મંગળવારે દેશની તમામ મુખ્ય પાર્ટીઓના નેતાઓએ વાયુસેનાને અભિનંદન આપ્યા અને કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકાર અને સુરક્ષાદળોની સાથે ઉભા છીએ.


વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તરફથી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સામેલ નેતાઓએ સરકાર અને સુરક્ષાદળો સાથે હોવાનું કહ્યું હતું. આ બેઠકમાં વિદેશમત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના શિબિરો પર ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલા અંગેની સંપૂર્ણ માહિતી પક્ષ સામે રજૂ કરી હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, નાણા મંત્રી અરૂણ જેટલી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વિજય ગોયલ અને લગભગ તમામ મુખ્ય દળોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.


સર્વપક્ષીય બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે આ સૈનિક નહીં પરંતુ આતંકવાદનો ખાતમો કરવા માટેનું ઓપરેશન હતું. વિપક્ષ દ્વારા આ બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી જરૂરી હતી. આ મુદ્દે દરેક પક્ષોનું સરકારને સમર્થન છે. વિરોધ પક્ષે ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા.