26 જાન્યુઆરીએ દિલ્લીમાં ખેડૂત આંદોલનમાં થયેલી હિંસા બાદ હાલમાં પરિસ્થિતી કાબૂમાં છે. સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડરથી શરુ થયેલી ટ્રેક્ટર રેલીમાં સામેલ ટ્રેક્ટર બોર્ડર પર પહોંચવા લાગ્યા છે. તો આ બાજુ દિલ્લી દિલ્લી પોલીસ સાથે સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.


ગઈકાલે દિલ્લીમાં આખો દિવસ ભારે હિંસા થઈ. આ હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થયા છે. તો ટ્રેક્ટર પલટવાના કારણે એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યુ છે. હિંસા બાદ મંગળવારે સાંજે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે અંદાજે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન આઈબી નિર્દેશક અને ગૃહ સચિવ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ સંયુક્ત કિસાન મોર્ચાએ માફી માગી છે અને પરેડને તાત્કાલીક અસરથી બંધ કરાવી દીધી હતી. હાલમાં પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીના સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર બેઠા છે. સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેરાત કરી છે કે આંદોલન શાંતિપૂર્વક ચાલુ રહેશે અને આગળ શું કરવું તે ચર્ચા કર્યા બાદ જણાવવામાં આવશે. હિંસા બાદ સ્થિતિ હવે નિયંત્રમણાં છે.

હિંસાને લઈને સાત FIR નોંધાઈ

ટ્રેક્ટર માર્ચમાં થયેલ હિંસાને લઈને દિલ્હી પોલીસે 7 FIR નોંધી છે. ગાજીપુર, અક્ષરધામ, આઈટીઓ, લાલકિલ્લા, મુકરબા ચોક સહિત અનેક વિસ્તારમાં હિંસા અને તોડફોડના કેસ નોંધવામાં આવ્યા છે. દિલ્હીના રસ્તા પર તલવાર હાથમાં લઈને ફરતા હોય તેવી તસવીરો પણ સામે આવી છે. અક્ષરધામની પાસે નિહંગ ખેડૂતોએ ખુલ્લી તલવાર હાથમાં લઈને ડરનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો

  • કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનૂનો સામે ટ્રેકટર પરેડ દરમિયાન ખેડૂતો નિર્ધારીત માર્ગ પર જવાના બદલે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘૂસતા અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ.

  • લાલ કિલ્લામાં દાખલ થયેલા ખેડૂતોને નિયંત્રિત કરવા પોલીસે ટિયરગેસ છોડ્યા અને લાઠી ચાર્જ પણ કર્યો. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.

  • ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિંઘુ બોર્ડર,ગાજીપુર બોર્ડર,મુકરબા ચોક,નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે.

  • દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે બંધ કરાયા છે. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, , ઇન્દ્રપ્રસ્થ, આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.

  • ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈ મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં ગૃહ સચિવ પણ પહોંચી ગયા છે.