હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસને રદ કર્યો હતો જેમાં પત્નીએ તેના પતિ પર ક્રૂરતા અને દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. કોર્ટનું માનવું હતું કે આ કેસનું મૂળ પતિ-પત્ની વચ્ચેની "જાતીય અસંગતતા" છે, દહેજની માંગણી કે શારીરિક ત્રાસ નહીં.
આ કેસ (પ્રાંજલ શુક્લા અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય] સાથે સંબંધિત હતો, જેમાં પત્નીએ તેના પતિ પર દહેજની માંગણી કરવાનો, તેને હેરાન કરવાનો અને અકુદરતી જાતીય સંબંધો બાંધવાનો આરોપ લગાવ્યો હતો. જો કે એફઆઈઆરની તપાસ કર્યા પછી કોર્ટને લાગ્યું હતું કે ત્રાસ અથવા મારપીટના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને મુખ્ય વિવાદ પતિ-પત્ની વચ્ચેના જાતીય અસંતોષને લઇને હતો.
જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જો પતિ-પત્ની એકબીજા પાસેથી જાતીય સંતોષની અપેક્ષા રાખશે નહી તો તેઓ પોતાની શારીરિક ઈચ્છાઓ ક્યાંથી સંતોષશે? કોર્ટે વધુમાં કહ્યું કે આ વિવાદનું મુખ્ય કારણ જાતીય અસંગતતા છે અને આ કારણે જ આ એફઆઇઆર નોંધવામાં આવી હતી
શું છે સમગ્ર કેસ?
2015માં પતિ-પત્નીના લગ્ન થયા હતા. પત્નીનો આરોપ છે કે લગ્ન બાદ પતિ અને તેના પરિવારજનો દહેજની માંગણી કરતા હતા. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પતિ દારૂ પીતો હતો અને અકુદરતી સેક્સની માંગણી કરતો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેનો પતિ અશ્લીલ ફિલ્મો જોતો હતો, તેની સામે નગ્ન ફરતો હતો અને હસ્તમૈથુન કરતો હતો. જ્યારે તેણીએ આ કૃત્યોનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પતિ તેને તેના માતા-પિતા પાસે છોડીને સિંગાપોર ગયો હતો અને જ્યારે તે આઠ મહિના પછી સિંગાપોર ગઈ ત્યારે ત્યાં પણ તેને હેરાન કરવામાં આવી હતી. તેના આધારે પતિ અને તેના પરિવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498A, 323, 504, 506, 509 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
કોર્ટનો નિર્ણય
કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું હતું કે પત્નીના આક્ષેપો સામાન્ય અને અસ્પષ્ટ હતા અને તેમના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી. કોર્ટે કહ્યું કે "કોઈપણ કિસ્સામાં પત્નીને ક્યારેય કોઈ શારીરિક ઈજા થઈ નથી. આ કેસના તથ્યો પરથી એવું કહેવું ખોટું હશે કે આ કલમ 498-A હેઠળ ક્રૂરતાનો મામલો છે. તેનો કોઈ સ્પષ્ટ સંકેત નથી. દહેજની કોઈ ચોક્કસ માંગણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આખરે કોર્ટે આ કેસ રદ કર્યો હતો.