નવી દિલ્હીઃ પોતાના કરિયરની શરૂઆતમાં વન-ડે અને ટી-20નો સ્પેશ્યાલિસ્ટ બોલર તરીકે જાણીતા જસપ્રીત બુમરાહે શુક્રવારે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં પણ મરજી અનુસાર સફળતા મળવી સ્વપ્ન સાચુ થવા બરોબર છે. બુમરાહે 12 ટેસ્ટમાં 62 વિકેટ ઝડપી છે. તેને વન-ડે સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવતો હતો પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે સાબિત કરી દીધું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સુપરહીટ છે.
બુમરાહે અહીં એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મારા માટે ટેસ્ટ ક્રિકેટ ખૂબ મહત્વપૂર્ણ હતું અને હું હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. હું એવો ક્રિકેટર નથી બનવા માંગતો જે ટી-20 અને વન-ડે જ રમે. હું ટેસ્ટ ક્રિકેટને ખૂબ મહત્વ આપું છું. હું હંમેશા ટેસ્ટમાં છાપ છોડવા માંગતો હતો. બુમરાહે કહ્યું કે, મારું માનવું રહ્યું છે કે હું પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું છે અને ટેસ્ટમાં પણ કરી શકું છું. હાલમાં સફર શરૂ થઇ છે. ફક્ત 12 ટેસ્ટ મેચ રમી છે પરંતુ આ સ્વપ્ન સાચુ થવા જેવું છે.
તેણે કહ્યું કે, સફેદ જર્સીમાં રમવું એ ખૂબ અહેસાસ અલગ છે. ટીમની સફળતામાં યોગદાન આપવાથી મને ખૂબ સંતોષ મળે છે. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બોલર બનનાર બુમરાહે કહ્યું કે, વધુમાં વધુ ટેસ્ટ ક્રિકેટ રમીને આત્મવિશ્વાસ વધે છે અને આ કારણે ફોર્મ સારુ રહી શકે છે.