કટિહાર: નવા મોટર વ્હીકલ્સ એક્ટમાં ભારે ભરખમ દંડની જોગવાઈને લઈ દેશભરમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે કેટલાક રાજ્યોએ આ નવો નિયમ લાગુ કર્યો નથી. તેની વચ્ચે બિહારમાં પણ આ કાયદાને લઈ વિરોધ શરૂ થયો છે. કટિહારમાં આરજેડીના કાર્યકર્તાએ માથા પર ડોલ પહેરીને પ્રદર્શન અને આક્રોશ માર્ચ કાઢી હતી.


આરજેડીના બિહાર પ્રદેશના સચિવ આશુ પાંડેયએ કહ્યું, “ભારત સરકારનો આ કાયદો દેશના 80 ટકા ગરીબ લોકો પર પ્રહાર છે. આજે દેશ આર્થિક મંદીથી પસાર થઈ રહ્યો છે. પહેલા સરકારે નોટબંધી અને જીએસટી લાગુ કરી દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરી અને હવે આ નવો કાયદો લાગુ કરી દીધો. ”

યુવા નેતાએ બિહાર સરકારને આ કાયદામાં સુધારો કરવાની માંગ કરી છે. તેઓએ ચેતવણી આપતા કહ્યું કે જો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર 10 દિવસમાં આ નિયમમાં સુધારો નહીં કરે અથવો આ કાળા કાયદાને સમાપ્ત નહીં કરે તો આરજેડી મોટા પાયે આંદોલન કરશે.