બોલપુર: દિલ્હી હિંસા બાદ વિપક્ષ સતત દિલ્હી પોલીસ અને સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેની વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને લોકોને ધાર્મિકતાના આધારે ભાગલા પાડી શકાય નહીં. તેમણે હિંસા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે એ તપાસ કરવી જોઈએ કે હિંસાને કાબુમાં કરવા પોલીસ અસક્ષમ હતી કે પછી હિંસા સામે લડવા માટે સરકાર તરફથી પૂરતા પ્રયાસો ન કરવામાં આવ્યા.

અમર્ત્ય સેને કહ્યું, “દિલ્હીમાં જ્યારે હિંસા થઈ હતી, ત્યારે મે નોર્થ ઈસ્ટ દિલ્હીના વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં ન માત્ર લઘુમતીઓ, બહુમતીઓ પણ ડર અનુભવી રહ્યાં હતા. હિંસા દરમિયાન પોલીસ નિષ્ક્રિય હતી. ”

એક ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અમર્ત્ય સેને કહ્યું, “હું ખૂબજ ચિંતિત છું કે, આ ઘટના જ્યાં બની તે દેશની રાજધાની છે અને કેન્દ્ર શાસિત છે. જો લઘુમતીઓને ત્યાં ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ અથવા પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહે છે તો આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ”

અહેવાલ એવા છે કે, જે લોકો માર્યા ગયા અથવા જેમને ત્રાસ આપવામાં આવ્યો તેમાં મોટાભાગના મુસલમાન છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, આપણે હિંદુ અને મુસ્લિમના ભાગલા પાડી શકીએ નહીં. એક ભારતીય નાગરિક તરીકે હું ચિંતિત થવા સિવાય બીજુ કંઈ કરી શકતો નથી.

સેને કહ્યું, જો કે સમગ્ર મામલે વિશ્લેષણ કર્યા વગર નિષ્કર્ષ કાઢી શકાય નહીં. તેમણે કહ્યું કે જસ્ટિસ એસ મુરલીધનનું ટ્રાન્સફર દિલ્હી હાઈ કોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થવા પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. હું વ્યક્તિગત રીતે તેમને ઓળખું છું.