અમદાવાદઃ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની ભૂંડી હાર બાદ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ દિલ્લી હાઈકમાંડ સાથે સંપર્ક કર્યો હતો. બન્નેએ રાજીનામું આપવાની વાત કરી હતી. અમિત ચાવડાએ તમામ 8 બેઠકો પર હારની નૈતિક જવાબદારી સ્વીકારી, પાર્ટીને મજબૂત કરવા રાજીનામું આપવાની તૈયારી દર્શાવી તો પરેશ ધાનાણીએ બપોરના જ ટેલિફોન પર હાઈકમાંડ સાથે સંપર્ક કર્યો હતો અને હારની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની વાત કહી હતી.


નોંધનીય છે કે, કોરોનાકાળમાં રાજયની આઠ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો તમામ 8 બેઠક પર ભવ્ય વિજય થયો હતો અને કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. પેટા ચૂંટણીમાં ભાજપ માટે વકરો એટલા નફાની સ્થિતિ હતી. એવામાં ભાજપ 100 ટકા નફો કરવામા સફળ રહી તો કૉંગ્રેસ એક પણ બેઠક જાળવી ના શકી.

કચ્છની અબડાસાની બેઠક હોય કે સૌરાષ્ટ્રની મોરબી, લીંબડી, ગઢડા અને ધારીની બેઠક હોય. મધ્ય ગુજરાતની કરજણ હોય કે પછી દક્ષિણ ગુજરાતની ડાંગ અને કપરાડા બેઠક હોય. તમામ બેઠક પર મોટા માર્જિનથી જીત મેળવી ભાજપે શાનદાર પર્ફોમન્સ કર્યું છે. તમામ આઠ બેઠક પર ભાજપની જીત થતા જ ભાજપના કાર્યકર્તાઓમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.