નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નાગરિકતા  સંશોધન, કાશ્મીર, રામ મંદિર, શ્યામાપ્રસાદ મુખર્જીના બહાને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીના ગઢ કોલકત્તામા  અમિત શાહે કહ્યું કે, દેશે બનાવેલા નાગરિકતા સંશોધન કાયદાનો ટીએમસી સુપ્રીમો વિરોધ કરી રહી છે પરંતુ અમે આ કાયદામાં પીછેહટ નહી કરીએ. રાજ્યમાં આગામી ચૂંટણીમાં ભાજપ બે તૃતીયાંશ બહુમત સાથે સરકાર બનાવશે.


અમિત શાહે કહ્યું કે- મમતા બેનર્જી જ્યારે વિપક્ષમાં હતી તો તેમણે શરણાર્થીઓ માટે નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદી સીએએ લઇને આવ્યા તો તે એકવાર ફરીથી કોગ્રેસ અને વામપંથીઓ સાથે વિરોધમાં ઉભી છે. મમતા બેનર્જી લઘુમતિઓમાં ભય પેદા કરી રહી છે કે તે પોતાની નાગરિકતા ગુમાવી દેશે. હું લઘુમતી સમુદાયના તમામ લોકોને આશ્વાસન આપું છું કે સીએએ ફક્ત નાગરિકતા આપવા માટે છે અને કોઇ નાગરિકતા આ કાયદો પાછી લેશે નહીં. આ કોઇ પણ રીતે તમને પ્રભાવિત નહી કરે.


કોલકત્તાના શહીદ મેદાનમાં સીએએના સમર્થનમાં આયોજીત રેલીમાં શાહે કહ્યું કે, પશ્વિમ બંગાળ ચૂંટણીમાં ભાજપની પૂર્ણ બહુમતથી સરકાર બનશે. બંગાળમાં જ્યારે પ્રચાર કરવા આવ્યા હતા તો અમને પ્રચાર કરવા દેવામાં આવ્યા નહોતા. ગોળીઓ ચલાવવામાં આવી. હેલિકોપ્ટર ઉતરવા દીધું નહીં. 40થી વધુ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો હતો. મમતાજી શું તમે એ રોકી શક્યા. તમે જે કરવા માંગતા હતા એ તમે કરી લીધું. તમારું વલણ લોકો સમજી ચૂક્યા છે. આ રેલી મમતા અને તેમની પાર્ટીના ગુંડાઓ  વિરુદ્ધ રેલી છે.