નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 રદ કર્યા બાદ રાજ્યમાં સામાન્ય સ્થિતિ બનતી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કલમ 370થી કાશ્મીરને કોઇ ફાયદો થયો નથી. તેને ઘણા સમય પહેલા ખત્મ કરી દેવી જોઇતી હતી. તેમણે કહ્યું કે, રાજ્યસભામાં તેમને બિલ પર હંગામાનો ડર હતો એટલા માટે તેમણે અહી પહેલા બિલ રજૂ કર્યુ હતું.

ચેન્નઇમાં રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ પર પુસ્તક વિમોચનના એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ગૃહમંત્રીના રૂપમાં મારા મનમાં કલમ 370ને હટાવવાનો નિર્ણય લેતા સમયે કોઇ દ્ધિધા નહોતી કે કાશ્મીર પર શું અસર થશે. મને લાગે છે કે કાશ્મીરમાં વધુ વિકાસ થશે પરંતુ રાજ્યસભામાં બિલ રજૂ કરતા સમયે એક ડર હતો. શાહે નાયડૂનો આભાર માનતા કહ્યું કે, રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમત નથી એટલા માટે નક્કી કર્યું કે પહેલા ત્યાં બિલ રજૂ કરવામાં આવે અને બાદમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. નાયડુએ ઉચ્ચ સદનની ગરીમાને નીચે પડવા દીધી નહોતી.


અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી હવે આતંકવાદ ખત્મ થઇ જશે અને તે વિકાસના રસ્તા પર જશે. કલમ 370ને કાશ્મીરમાંથી પહેલા જ હટી જવી જોઇતી હતી. આ કલમથી તેને કોઇ ફાયદો થયો નથી. રાજ્યસભામાં કોગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો પરંતુ આ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયુ હતું. ત્યારબાદ બિલને લોકસભામાંથી મંજૂરી મળી હતી.