નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરમાથી કલમ 370 રદ કર્યા બાદ સરકાર સતત દાવા કરી રહી છે કે રાજ્યમાં શાંતિ છે. સરકારના દાવા પર સવાલ ઉઠાવતા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં હિંસાની કેટલીક ઘટનાઓ પર વડાપ્રધાન મોદીને સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. આ અગાઉ શનિવારે કોગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.


કોગ્રેસ વર્કિગ કમિટીએ જમ્મુ કાશ્મીરના નેતાઓની અટકાયત કરવાની  ટીકા કરી હતી. જમ્મુ કાશ્મીર મામલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી હિંસા અને લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર આવી રહ્યા છે. એવામાં જરૂરી થઇ જાય છે કે વડાપ્રધાન સ્પષ્ટ રીતે દેશને જણાવે કે જમ્મુ કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શું થઇ રહ્યુ છે.

ગૃહમંત્રાલય અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપીએ રાજ્યની વર્તમાન સ્થિતિ પર નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, છેલ્લા છ દિવસમાં પોલીસે એક પણ ગોળી ચલાવી નથી. પોલીસે નિવેદનમાં કહ્યું કે, રાજ્યમાં શાંતિ છે અને લોકોને ખોટા રિપોર્ટ પર ધ્યાન આપવુ જોઇએ નહીં. શ્રીનગર અને આસપાસના વિસ્તારમાં લોકો ખુશીથી ઇદની તૈયારી કરી રહ્યા છે.

નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી દીધી હતી. આ કલમ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી. હવે જમ્મુ કાશ્મીર અને લદાખ અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ છે. વડાપ્રધાન મોદીએ દેશના સંબોધનમા કહ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં જેવી જ શાંતિ સ્થપાશે બાદમાં તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. જ્યારે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે.