નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન બિલ એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં એક જનસભા સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે કોગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષ નેતાઓ પર વરસ્યા હતા. અમિત શાહે જાહેરાત કરી હતી કે જેટલો પણ વિપક્ષ ભ્રમ ફેલાવી લે પરંતુ ભાજપ આ કાયદા પર એક ઇંચ પણ પાછળ નહી હટે. કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો છે તો તેમની સાથે ચર્ચા કરી શકે છે.


અમિત શાહે કહ્યું કે, કોગ્રેસ, મમતા દીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની તમામ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ તમામને હું પડકાર આપું છું કે તેઓ સાબિત કરે કે આ કાયદાથી લઘુમતીઓને નુકસાન થશે. રાહુલ બાબા જો કાયદો વાંચ્યો હોય તો તેના પર ચર્ચા માટે આવો. જો નથી વાંચ્યો તો હું તમને ઇટલી ભાષામાં ટ્રાન્સલેશન કરીને મોકલી શકું છું.

શાહે કહ્યું કે, તમામ પાર્ટીઓ એક થઇ જાય પરંતુ ભાજપ નાગરિકતા સંશોધન કાયદા પર એક ઇંચ પણ પીછેહટ નહી કરે. શાહે લોકોને એક નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તેના પર મિસ કોલ આપીને સીએએ માટે પોતાનું સમર્થન નોંધાવો.