નવી દિલ્લીઃ આઠ નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી તરફથી 500 અને 1000ની નોટ  પર બેન કરવા નિર્ણય પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધીઓ પર નિશાન સાધ્યુ હતું. શાહે બસપાના વડા માયાવતી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સપાના વડા મુલાયમસિંહ યાદવ અને વડાપ્રધાન મમતા બેનર્જીનું નામ લઇને તેમના પર કાળા ધન રાખનારા લોકોનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.


શાહે જણાવ્યુ હતું કે, આ લોકો વડાપ્રધાન મોદીએ કરેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેનો  સીધો અર્થ થાય છે તે લોકો કાળા ધન રાખનારા લોકોના સમર્થનમાં છે. શાહે કહ્યું કે, હવે એ લોકોએ જવાબ આપવો જોઇએ. આ નિર્ણયનો ચૂંટણી સાથે કોઇ સંબંધ  નથી. આ નિર્ણયનો સૌથી વધારે પ્રભાવ માયાવતી પર થશે. શાહના મતે આ નિર્ણયથી કાળા નાણા અને આતંક વિરુદ્ધની લડાઇમાં મદદ મળશે. શાહના મતે હાલમાં લોકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ એક બે દિવસમાં મુશ્કેલીઓ પુરી રીતે ખત્મ થઇ જશે.