નવી દિલ્હી:ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. આ બેઠકને ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી બન્ને પક્ષના સંબંધો ખરાબ થયા હતા. અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવા મુંબઈ ‘માતોશ્રી આવાસ’ પહોંચ્યા હતા. શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.


આ મુલાકાત શિવસેનાને મનાવવા માટેની હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહી છે. એવામાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા તેમને મનાવવા માંગે છે. કારણ કે એકજૂથ વિપક્ષ સામે લડવા માટે ભાજપ સામે પોતાના સહયોગી પક્ષને સાંધવાની રણનીતિ અપનાવવું ખૂબજ જરૂરી છે.

આગામી લોકસભા ચૂંટણી પહેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહ પોતાની પાર્ટીના ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન પર નિકળ્યા છે. આ અભિયાન અંતર્ગત તેઓ દેશની મોટી મોટી હસ્તિઓને મળી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત પહેલા મીડિયા સાથે વાત કરતા અમિત શાહે શિવસેના સાથેના ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે જે પણ નારાજગી છે, તેને દૂર કરી લેશું, 2019માંજ નહીં પણ 2024ની ચૂંટણી પણ સાથે લડીશું. વિપક્ષના એકજૂથ થવાના સવાલ પર કહ્યું તેનાથી કોઈ ફર્ક નહીં પડે. તમામ દળ નરેન્દ્ર મોદીને હટાવવા માટે એકજૂથ થયા છે, પરંતુ એકજૂથ હોવાથી તેની ભાજપ પર કોઈ અસર નહીં પડે.