નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશના મંદસૌર પહોંચ્યા હતા. છેલ્લા વર્ષે મંદસૌરમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં છ લોકોના મોત થયા હતા જેની આજે એક વર્ષ થયું છે. કોગ્રેસે આ અવસર પર કિસાન સમુદ્ધિ સંકલ્પ રેલીનું આયોજન કર્યું હતું.રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે દિવસે મધ્યપ્રદેશમાં કોગ્રેસની સરકાર આવશે તેના 10 દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફી કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.


રાહુલ સાથે રેલીમાં મધ્યપ્રદેશ કોગ્રેસના કમલનાથ, દિગ્વિજયસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક મોટા નેતા હાજર રહ્યા હતા. રાહુલે કહ્યું કે, જે પણ કોગ્રેસના કાર્યકર્તા જમીન સાથે જોડાયેલા છે તેમના માટે આગામી સરકારમાં સ્થાન રહેશે.

રાહુલે કહ્યું કે, એક વર્ષ અગાઉ મધ્યપ્રદેશની સરકારે ખેડૂતો પર ગોળી ચલાવી. આખા દેશમાં ખેડૂતો પોતાના હક માંગી રહ્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ મોદી સરકાર અથવા કોઇ રાજ્યમાં બીજેપીની સરકારની દિલોમાં ખેડૂતો માટે કોઇ જગ્યા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને શિવરાજસિંહ ચૌહાણ વાતો કરે છે પરંતુ ખેડૂતો માટે કાંઇ કામ કરતી નથી. આ લોકો ખેડૂતોની પૂજા કરે છે પરંતુ તેમનું દેવુ માફ કરતા નથી. જે દિવસે મધ્યપ્રદેશમાં કોગ્રેસની સરકાર આવશે તેના 10 દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ થશે. રાહુલે કહ્યું કે, અમારી સરકાર આવશે ત્યારે ખેડૂતો માટે ફ્રૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવીશું જેથી ખેડૂતોને તેનો લાભ મળી શકે. હું ઇચ્છું છું કે અહી લસણ પેદા થાય છે તે 10 વર્ષમાં ચીનની રાજધાની બેઇજિંગના લોકો ખાય.

રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ યુવાઓને રોજગારી આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે પુરુ કરી શક્યા નથી. વડાપ્રધાન મોદી સરકાર પર રાહુલે વિજય માલ્યા, લલિત મોદી,  નીરવ મોદી, મેહુલ ચોક્સીને વિદેશ ભગાડવાનો આરોપ લગાવ્યો.