Amit Shah Arunachal Pradesh Visit: ચીનના વિરોધને હવામાં ફંગોળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. છેક સીમાડે જઈને શાહે ચીનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આજે અરુણાચલ પ્રદેશના કિબિથુ ખાતે 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કવાના અવસરે શાહે ચીનને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, હવે કોઈ આંખ ઉંચી કરીને સરહદ તરફ જોઈ શકશે નહીં.



શાહે ચીનને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ભારતની જમીન પર કોઈ સોયની અણી જેટલી જમીન પર પણ કોઈ અતિક્રમણ કરી શકે નહીં. એ દિવસો ગયા જ્યારે કોઈ પણ ભારતની ધરતી પર અતિક્રમણ કરવાની હિંમત કરતું હતું. સાથે જ શાહે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી.

અમિત શાહે હુંકાર ભરતા કહ્યું હતું કે, આજે મેં અહીં આવતી વખતે મેં સેંકડો ધોધ જોયા. મેં અહીં ઉતરતા જ પેમા ખાંડુને કહ્યું હતું કે, એક ઘર ખરીદો, જ્યારે હું વૃદ્ધ થઈશ ત્યારે અહીં રહેવા આવીશ. ભગવાન પરશુરામે અરુણાચલ નામ આપ્યું હતું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક બાળક અરુણાચલને સૂર્ય નારાયણના પહેલા કિરણની ભૂમિના નામથી જાણે છે. અરુણાચલ એ ભારત માતાના મુગટમાનો એક દિવ્ય રત્ન છે.

"આ છેલ્લું નહીં પણ ભારતનું પહેલું ગામ છે"

તેમણે કહ્યું હતું કે, પહેલા જ્યારે કોઈ મધ્ય ભારતમાંથી આવતું ત્યારે તે કહેતું કે તે ભારતના છેલ્લા ગામમાંથી આવ્યો છે, પરંતુ હવે હું જઈને મારી પૌત્રીને કહીશ કે હું ભારતના પહેલા ગામમાંથી આવ્યો છું. આ એક વૈચારિક પરિવર્તન છે. દિલ્હીમાં બેઠેલા નેતાઓની આળસ અને ખોટા અભિગમને કારણે આ વિસ્તાર વિવાદાસ્પદ અને ઉગ્રવાદનો શિકાર બન્યો હતો. આજે વિવાદો અને ઉગ્રવાદનો અંત આવી રહ્યો છે.
 
ITBP જવાનોની કરી ભારોભાર પ્રશંસા

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આજે આખો દેશ પોતાના ઘરમાં શાંતિથી સૂઈ શકે છે કારણ કે આપણા આઈટીબીપીના જવાન અને સેના આપણી સરહદો પર દિવસ-રાત કામ કરી રહ્યા છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે, આપડા પર ખરાબ નજર નાખવાની કોઈનામાં તાકાત નથી. હેલિકોપ્ટર રવાના થઈ ગયું છે. જેથી સૌકોઈ વિચારી રહ્યાં છે કે, હવે અમિત શાહ કેવી રીતે પાછા જશે? તો સાંભળી લો, હું ક્યાંય જતો નથી. આજે તમારા ગામમાં રોકાઈને ભોજન કર્યા પછી હું કાલે બપોરે જ પાછો જઈશ.

કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને 12 વખતની કોંગ્રેસ સરકારે જે કર્યું નથી. તેના કરતા મોદી સરકારે 2 ટર્મમાં વધુ કામ કર્યું છે. 2014 પહેલા સમગ્ર નોર્થ ઈસ્ટ રિજન ડિસ્ટર્બ્ડ રિજન તરીકે ઓળખાતું હતું. પરંતુ છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની 'લૂક ઈસ્ટ' નીતિને કારણે હવે નોર્થ ઈસ્ટને દેશના વિકાસમાં ફાળો આપતો પ્રદેશ માનવામાં આવે છે.

આ પહેલા ચીને અમિત શાહની અરુણાચલ મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ મુલાકાત ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે અને તે તેનો વિરોધ કરે છે.