નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું નાગરિકતા સંશોધન બીલ કોઈ સાથે અન્યાય નહી થાય દરેકની સાથે ન્યાય કરવામાં આવશે. આ બિલ લઘુમતી વિરુદ્ધ નથી.


અમિત શાહે કહ્યું, આ બિલ કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કરતુ અને ધર્મનાં આધારે સતામણી સહન કરનારા લોકોને શરણ આપે છે. કેટલીક જોગવાઈઓ પર વિરોધ પક્ષનાં વાંધાને લઇને અમિત શાહે કહ્યું, ધર્મ અને પંથનાં આધાર પર કોઈની પણ સાથે દુર્વ્યવહાર ના થવો જોઇએ. પરંતુ કોઈપણ સરકારનું આ કર્તવ્ય છે કે તે દેશની સરહદોની રક્ષા કરે. શું આ દેશ તમામ માટે ખુલ્લો છોડવામાં આવવો જોઇએ ? એવો કયો દેશ છે જેણે બહારનાં લોકોને નાગરિકતા આપવા માટે કાયદો નથી બનાવ્યો ?


કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, શશિ થરુર અને AIMIMના અસુદદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ પોત પોતાની વાત રજુ કરી હતી. વિપક્ષની માંગ પર બિલ રજુ કરવા અંગે મતદાન થયું જેના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ મળ્યા હતા. 375 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો.