કર્ણાટક પેટાચૂંટણીઃ કૉંગ્રેસની હાર, વિપક્ષ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષે આપ્યા રાજીનામા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2019 04:41 PM (IST)
રાજ્યમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે વિપક્ષ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ રાજીનામુ આપી દીધું છે.
બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 15માંથી 12 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ યેદિયુરપ્પા સરકારને બહુમતી મળી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે વિપક્ષ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ રાજીનામુ આપી દીધું છે. બંને નેતાઓએ હારની જવાબદારી સ્વીકારતા રાજીનામુ આપ્યું છે. સિદ્ધારમૈયાએ કહ્યું ધારાસભ્ય દળના નેતાના રૂપમાં લોકતંત્રનું સમ્માન કરવાની જરૂરીયાત છે. મે કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતાના રૂપમાં રાજીનામુ આપી દિધુ છે. મે પોતાનુ રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. 222 બેઠક વાળી કર્ણાટક વિધાનસભામાં ભાજપના હવે 117 ધારાસભ્યો થઈ ગયા છે. કોંગ્રેસ પાસે 68 અને જેડીએસના 34 ધારાસભ્યો છે. તો કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલતી હતી ત્યારે જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હતી. યેદિયુરપ્પાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, હવે કોઈ પણ જાતની સમસ્યા વગર તેઓ સ્થાયી સરકાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાએ સત્તામાં બની રહેવા માટે કોઈ પણ હાલતમાં 6 સીટ જીતવી જરૂરી હતી.