અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યાં છે અને સ્થિતી કાબૂમાં આવતી નથી તેથી કેટલાંક રાજ્યોમાં લોકડાઉન લગાવાયું છે. કોરોનાના કારણે દેશમાં બગડતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કોરોનાની સ્થિતી કઈ હદે સ્ફોટક બને તો લોકડાઉન લાદવું તે અંગે ગાઈડલાઈન આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની સ્થિતી અમુક હદે સ્ફોટક બને તો 14 દિવસનું લોકડાઉન લાદવાની સલાહ આપી છે.


અમિત શાહના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઇડલાઈન જાહેર કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વિસ્તારમાં પોઝિટિવિટી રેટ સતત એક સપ્તાહ સુધી 10% આવે તો તરત 14 દિવસનું લોકડાઉન લગાવી દેવું જોઈએ. એ જ રીતે કોઈ વિસ્તારમાં તમામ હોસ્પિટલોમાં 60% બેડ ભરાઈ જાય છે તો ત્યાં પણ 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઇડલાઈન જાહેર કરી છે તેમાં કોઈ પણ વિસ્તારમાં ક્યારે લોકડાઉન લગાવવાનું છે અને ક્યારે કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના છે તેની સ્પષ્ટતા કરાઈ છે. આ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ લોકો સામે કડક પગલાં લેવાં પડશે અને તો જ કોરોના કાબૂમાં આવશે.


આ ઉપરાંત આ એડવાઈઝરીમાં તમામ રાજ્યોને પોતપોતાના જિલ્લામાં નાના-નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની સલાહ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાથી બચવું જોઈએ કેમ કે તેના કારણે સંક્રમણ નહીં રોકી શકાય ને લોકોની તકલીફ વધશે.  જરૂર પડે તો કોરોનાની સ્થિતી અંગે  યોગ્ય તપાસ કર્યા બાદ જ આ પગલાં ઉઠાવવામાં આવે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતાં પહેલાં તપાસ કરી લેવી જરૂરી છે કે કેટલી મોટી વસ્તીમાં સંક્રમણ ફેલાયું છે અને કેટલાં વિસ્તારને બંધ કરવા જોઈએ. ગૃહ મંત્રાલયે કહ્યું કે લોકડાઉન લગાવતાં પહેલાં એક ફ્રેમવર્ક તૈયાર કરવાામાં આવે કે જેથી લોકડાઉન લગાવવાનો હેતુ પાર પડી શકે.