નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને 2019ની લોકસભા ચૂંટણી માટે યુદ્ધની જેમ તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, આગામી ચૂંટણી યુદ્ધ જેવી છે. જેમાં જીત માટે મહેનતમાં લાગી જવું જોઇએ. 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામસામે છે. 2019ની ચૂંટણી સદીઓ સુધી અસર છોડવાની છે. એટલા માટે હું માનું છું કે તેને જીતવી ખૂબ મહત્વપૂર્ણ છે.


અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનું વચન આપ્યું હતું. ભાજપ ઇચ્છે છે કે રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે જલદી સુનાવણી પુરી થાય પરંતુ કોગ્રેસ તેમાં અડચણ ઉભી કરી રહી છે. બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થાય. ભાજપના કાર્યકર્તાને આશ્વાસન આપુ છું કે અમે મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે અમિત શાહે કહ્યું કે, ગઇકાલ સુધી જે લોકો એકબીજા સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા તે આજે ચૂંટણીના નામ પર એકસાથે આવી ગયા છે. અમિત શાહે સરકારના અનેક કામોનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબો અને યુવાઓ માટે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે ઉરીમાં જવાનો સાથે બર્બરતા બાદ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લીધો. જેનાથી દુનિયાને ભારતને જોવાનો અંદાજ બદલાઇ ગયો હતો. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવ્યો છે. બેનામી સંપત્તિ કાયદો લાવવામાં આવ્યો. બ્લેકમનીને દેશમાં પાછી લાવવામાં આવી. વડાપ્રધાન મોદી કે તેમની સરકાર પર એક પણ દાગ નથી.