નવી દિલ્હી: બળાત્કારના આરોપમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમની મુશ્કેલી વધી ગઈ છે. હરિયાણાના પંચકુલા સ્થિત સીબીઆઈની વિશેષ અદાલતે આજે પત્રકાર રામચંત્ર છત્રપતિ હત્યાકાંડ કેસમાં રામ રહીમ સહિત ચારને દોષી જાહેર કર્યા છે. જેની સજાનું એલાન 17 જાન્યુઆરીએ થશે.



સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ જ રામ રહિમના કાળા કામોનો પર્દાફાશ કર્યો હતો. રામ રહીમ અને તેનો મેનેજર કિશન સિંહ હત્યાનું કાવતરુ રચવાના આરોપમાં દોષી ઠેરવ્યા અને ડેરા સમર્થક નિર્મલ અને કુલદીપને ગોળી મારવાના આરોપમાં દોષી  જાહેર કર્યા છે.



પત્રકાર રામચંદ્રએ બે સાધ્વિઓ સાથે થયેલા બળાત્કરાના સમાચાર ન્યૂઝપેપરમાં પ્રકાશિત કર્યા હતા. તેના બાદ છત્રપતિ પર પહેલાં દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ આરોપીઓની ધમકી આગળ ન ઝૂક્યા તો 24 ઓક્ટોબર 2002ના રોજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.