નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભમાં નાગરિકતા સંશોધન બિલ 2019ને રજૂ કરી દીધુ છે. સોમવારે લોકસભામાં બિલને પાસ કરાવ્યા બાદ આજે રાજ્યસભામાં બિલ પર ચર્ચા શરૂ થઇ ચૂકી છે. સરકારને આશા છે કે બિલને રાજ્યસભમાંથી પણ પાસ કરાવી લેવામાં આવશે.


નાગરિકતા બિલને રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે બિલને લઇને મુસલમાનોએ ડરવાની જરૂર નથી, કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ના આપો. જે લોકો કહી રહ્યાં છે કે અમે મતબેન્કની રાજનીતી કરી રહ્યાં છે, તો હું એ સાથીઓને કહેવા માગીશ કે અમે ચૂંટણી પહેલા જ આ ઇરાદાઓ દેશની સામે મુક્યા હતા, જેને દેશની જનતાએ સમર્થન આપ્યુ હતુ.

અમિત શાહે કહ્યું કે, પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યકોને સન્માનથી જીવવા નથી મળી રહ્યું, ત્યાં અલ્પસંખ્યકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

ગૃહમંત્રીએ કહ્યું કે આ બિલ પાસ થઇ જતાં જે લોકો યાતનાઓમાં જીવી રહ્યાં છે તેમને મદદ મળશે, તેઓ સન્માન સાથે જીવી શકશે.


ખાસ વાત છે કે, રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતીનો આંકડો નથી, બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલને લઇને સરકારની સહયોગી પાર્ટીઓ શિવસેના અને જેડીયુ રાજ્યસભામાં સ્પષ્ટ નથી. કેમકે રાજ્યસભામાં બિલ રજૂ થતા પહલા જ બન્ને પાર્ટીઓએ અલગ અલગ સૂર બતાવ્યા છે. બિલ પાસ કરાવવા બીજેપીને સહયોગી પાર્ટીઓની મદદ જરૂરી છે. રાજ્યસભાના સાસંદોને વ્હિપ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

શું છે નાગરિકતા સંશોધન બિલમાં....
બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.

બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.


લોકસભામાં પાસ થઇ ચૂક્યુ છે બિલ
સોમવારે મોડી રાત્રે અમિત શાહે લોકસભામાં લાંબી ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવી દીધુ હતુ, ભારે હંગામો અને મતવિભાજન બાદ આ બિલના સમર્થનમાં 311 મત પડ્યા, જ્યારે વિરોધમાં 80 સાંસદોએ મતદાન કર્યુ હતુ. એટલે બિ આસાનીથી પાસ થઇ ગયુ હતુ.

રાજ્યસભાનુ ગણિત....
હાલ રાજ્યસભામાં બીજેપીના સાંસદોની કુલ સંખ્યા 240 છે, એટલે કે પાસ કરાવવા માટે 121 સાંસદોનુ સમર્થન જોઇએ છે. એનડીએની પાસે 116 સાંસદોનું સમર્થન છે. બીજેડીના 7 સાંસદો બિલને સમર્થન આપી રહ્યાં છે, વાઇએસઆર કોંગ્રેસના 2 સાંસદો પણ બિલને સમર્થન કરશે. એટલે કે એનડીએ પાસે 125 સાંસદોનુ સમર્થન મળતુ દેખાઇ રહ્યું છે.