પટનાઃ ગૃહ મંત્રી અમિત સાહ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે. આ રેલી સાજે 4 કલાકે વીડિયો કોન્ફરન્સથી થશે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ રેલીને ચૂંટણી અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ઓનલાઈન રેલી ભાજપના એક મહિના સુધી ચાલનારા અભિયાનનો હિસ્સો છે. જેમાં મોદી સરકારની ઉપલબ્ધીઓને ગણાવવામાં આવશે.


બિહાર બીજેપી નેતાઓના કહેવા મુજબ, પાર્ટીએ શાહના ભાષણને સાંભળવાના હેતુથી કાર્યકર્તાઓ અને લોકો માટે 72,000થી વધારે કેન્દ્રો પર પ્રબંધ કર્યો છે. આજે સાંજે બિહાર બીજેપી કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલ, સુશીલ મોદી સહિતના નેતાઓ હાજર રહેશે. બીજેપીએ શાહની રેલીમાં એક લાખથી વધારે લોકોને જોડવાની તૈયારી કરી છે.

બિહારમાં ચાલુ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. બિહારમાં બીજેપીનું મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની એલજેપી સાથે ગઠબંધન છે.

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ બીજેપીની આજે વીડિયો કોન્ફરન્સ અને ફેસબુક લાઇવના માધ્યમથી થનારી વર્ચુઅલ રેલીનો આરજેડી 'ગરીબ અધિકાર દિવસ' તરીકે ઉજવણી કરી વિરોધ કરશે.