નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લગભગ તમામ રાજ્ય આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરંતુ દેશના કેટલાક શહેરો છે જે આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. દેશમાં સંક્રમણના અડધા કરતા વધુ કેસ 4 મોટા મહાનગરોમાં છે, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સામેલ છે.


દેશમાં શનિવારે કોરોનાના લગભગ 10,000 જેટલા નવા કેસ સામે આવ્યાં બાદ સંક્રમિતોની સંખ્યા હવે વધીને 2 લાખ 40 હજારની નજીક પહોંચી ગઈ છે. દેશમાં આ વાયરસથી મરનારાઓની સંખ્યા સાત હજાર નજીક પહોંચી ગઈ છે. મરનારાઓની સંખ્યામાં પણ અડધા લોકો આ ચાર મહાનગરોમાં છે.

ચોંકાવનારી વાત એ છે કે , અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તાજા આંકડા અનુસાર, આ ચાર મહાનગરો સાથે જો અમદાવાદ, ઈન્દોર અને પુણેને પણ જોડી દેવામાં આવે તો કુલ સંક્રમિત કેસના 60 ટકા કેસ અને કુલ મોતની સંખ્યાના 80 ટકા કેસ આ સાત શહેરમાં છે.

દેશમાં શનિવારે સંક્રમિતોનો આંકડો 2,36,657 પર પહોંચ્યો હતો. કોરોનાથી દેશમાં 6,642 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લા સાત દિવસમાં 62 હજારથી વધારે નવા કેસ અને 1600થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે નવ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં એક લાખ 15 લાખ 942 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 1 લાખ 14 હજાર 072 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જેમાંથી 4611 લોકો છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં 48.20 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. સંક્રમણના કેસોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. અત્યાર સુધીમાં 35 લાખ 24 હજાર 317 ટેસ્ટ થયા છે. જેમાંથી 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ છેલ્લા 24 કલાકમાં થઈ છે.

કયા રાજ્યમાં કેટલા મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કોરોનાથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં 2849 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાતમાં 1190, તામિલનાડુમાં 232, રાજસ્થાનમાં 218, દિલ્હીમાં 708, મધ્ય પ્રદેશમાં 384, પશ્ચિમ બંગાળમાં 366, ઉત્તર પ્રદેશમાં 257, આંધ્ર પ્રદેશમાં 73, કર્ણાટકમાં 57, પંજાબમાં 48 લોકોના મોત થયા છે. જમ્મુ અને કાશ્મીરમાં 36, બિહારમાં 29, હરિયાણામાં 24, કેરળમાં 14, ઉત્તરાખંડમાં 11, ઓડિશામાં આઠ, ઝારખંડમાં 7 લોકોના મૃત્યુ થયા છે.