Jhajjar Ammonia Gas Leak: હરિયાણાના ઝજ્જર શહેરમાં ગઇકાલે રાત્રે10 વાગ્યે લગભગ એક મોટી દુર્ઘટના થઇ છે. વાસ્તવમાં અહી બેરી ગેટ ક્ષેત્રમાં સ્થિત કત્થા ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થતા રહેણાક વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
ગેસ લીક થયા બાદ અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. અનેક લોકોએ ઉલટીઓની ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતા બાદ અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કત્થા પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીક થયા બાદ અડધી રાત્રે આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. વહીવટીતંત્ર તરત હરકતમાં આવ્યુ હતું. પોલીસે તે સમયે ખુલ્લી રહેલી અનેક દુકાનોને બંધ કરાવી હતી. લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
આસપાસના કેટલાક વિસ્તારો પણ ખાલી કરાવાયા
કત્થા ફેક્ટરી સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો અને તેની આસપાસના અનેક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા. તે સિવાય ગેસને હવામાં ફેલાતો રોકવા માટે ફાયર બ્રિગેડના વાહનોએ રસ્તાઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ફેક્ટરી ટેન્કમાંથી નીકળતી પાઇપમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો. ત્યારબાદ આસપાસ વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દરમિયાન રાહત કાર્ય માટે સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના બે કર્મચારીઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આ પછી ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી.