નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ મામલા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં અનેક સ્થળો પર એર પ્યૂરિફાયર ટાવર લગાવવા પર વિચાર કરવા કહ્યું છે. સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના ઓડ-ઇવન યોજના પર ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ઓડ-ઇવન પ્રદૂષણ ઘટાડવાનો ઉકેલ નથી. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રદૂષણ ઓછું કરવા સ્થાયી ઉકેલ માટે રોડમેપ તૈયાર કરવાનો આદેશ કર્યો છે.


સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે ઓડ-ઇવન યોજનાનો બચાવ કર્યો હતો. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે આ યોજનાથી દિલ્હીમાં પાંચથી 15 ટકા સુધી પ્રદૂષણ ઘટ્યું છે. જ્યારે સેન્ટ્રલ પોલ્યૂશન કંન્ટ્રોલ બોર્ડે કહ્યું કે અમારા અભ્યાસ અનુસાર ઓડ-ઇવન યોજનાથી કોઇ ફાયદો થયો નથી.

ઓડ-ઇવન પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓડ-ઇવન દુનિયામાં જ્યાં લાગુ થાય છે ત્યાં કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી. દિલ્હીમાં ફક્ત મિડલ ક્લાસ લોકો તેનાથી તકલીફ ઉઠાવી રહ્યા છે. ઓડ-ઇવન યોજના પ્રદૂષણનો ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટે ડીપીસીસીને આદેશ આપ્યો હતો કે તે પ્રદૂષણ ફેલવનારા ઓટો અને બીજી ગાડીઓની તપાસ કરી કડક કાર્યવાહી  કરે. તે સિવાય કોર્ટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના મુખ્ય સચિવોને 25 નવેમ્બરના રોજ હાજર રહેવાના આદેશ આપ્યા છે.