નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાનની અસર તીવ્ર બનતી દેખાઇ રહી છે, એમ્ફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો છે, અે કેટલીય જગ્યાઓએ ઝાડ ઉખડી ગયાના સમાચાર છે.


હવામાન વિભાગ અનુસાર, ઓડિશામાં ખાસ કરીને પારાદ્રીપમાં 100 થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે કેટલાય ઝાડ પવના કારણે ધરાશાયી થઇ ગયા છે. અહીં રાજધાની ભુવનેશ્વર, કેન્દ્રાપાડા, ભદ્રક અને પારાદ્રીપમાં ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

આજે સાંજ સુધીમાં એમ્ફાન વાવાઝોડુ પશ્ચિંમ બંગાળના સુંદરબનમાં લેન્ડફૉલ કરશે. વાવાઝોડાની ઘાતકતા જોઇને હાલ પશ્ચિમ બંગાળમાં કેટલાય લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે આ વાવાઝોડુ છેલ્લા 20 વર્ષનુ સૌથી ભારે વાવાઝોડુ છે.



આ પહેલા હવામાન વિભાગે માહિતી આપી હતી કે, એમ્ફાન વાવાઝોડુ બપોરના સમયે બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીની ઉપર દ્દીઘા, પશ્ચિમ બંગાળના દક્ષિણ-પૂર્વમાં લગભગ 95 કિલોમીટરની ભયંકર ઝડપે કેન્દ્રીત થયુ હતુ. વાવાઝોડાની તીવ્રતા વધી છે, જેને લઇને એનડીઆરએફની ટીમે એક વીડિયો સંદેશ આપીને કહ્યું હતુ કે, અમાસ હોવાના કારણે બચાવ દળ અને તંત્ર ચાર થી છ મીટર ઉંચી તોફાની લહેર સામે નિપટવા માટે તૈયાર રહે.



એમ્ફાન વાવાઝોડાથી હાલ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ખતરો છે, તંત્રએ પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, ઇસ્ટ મિદનાપુર, કોલકત્તા, હાવડા, હુગલી તથા ઓડિશામાં ભદ્રક, બાલાસોર, જાજપુર, મયૂરગંજ જેવા વિસ્તારોને હાઇ એલર્ટ પર રાખ્યા છે. બન્ને રાજ્યોમાં હાલ વાવાઝોડાને લઇને ખતરો વધી ગયો છે.