Amritpal Singh: અમૃતપાલ સિંહની શોધ હવે પંજાબ પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર બની ગઈ છે. અમૃતપાલની અનેક રાજ્યોમાં શોધ ચાલી રહી છે. અમૃતપાલ 5 દિવસથી ફરાર છે. પરંતુ અત્યાર સુધી જે પણ ખુલાસાઓ થયા છે, તે સ્પષ્ટ છે કે અમૃતપાલે બચવા માટે પહેલેથી જ ફૂલપ્રૂફ પ્લાનિંગ કરી લીધું હતું. કારણ કે, અમૃતપાલના અત્યાર સુધીના તમામ વીડિયોથી સ્પષ્ટ છે કે, તેણે ખૂબ જ ચાલાકીથી વાહનો બદલ્યા હતા. જેના કારણે તે ઓછામાં ઓછા 3 સ્થળોએ પંજાબ પોલીસને ચકમો આપી શક્યો હતો. પોલીસે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
આ દરમિયાન એક મોટી માહિતી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અમૃતપાલ પોલીસને ચકમો આપવા માટે જ રાત્રે મુસાફરી કરે છે. દિવસ થતાં જ તે કોઈ ગુપ્ત જગ્યાએ પોતાનો પડાવ નાખી દે છે અને રાત થવાની રાહ જુએ છે. આ ઉપરાંત તે રોજેરોજ મોટરસાઈકલ અને તેનો દેખાવ બદલી રહ્યો છે. પોલીસે તેના બદલાયેલા દેખાવની તસવીરો પણ જાહેર કરી છે. તેની સાથે તેના બે ખાસ સાગરીતો પપ્પલપ્રીત અને વિક્રમજીત હાજર છે. પપલપ્રીત પાકિસ્તાનમાં સારું એવું નેટવર્ક ધરાવે છે. બીજી તરફ પોલીસે પ્લેટિના મોટરસાઇકલ, બ્રેઝા અને મર્સિડીઝ કાર પણ કબજે કરી છે, જેના દ્વારા તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.
બીજી તરફ પંજાબ પોલીસ બુધવારે જલ્લુપુરખેડા સ્થિત અમૃતપાલના ઘરે પહોંચી હતી. પોલીસે વિદેશી ફંડિંગ મામલે અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. શું અમૃતપાલની પત્ની કિરણદીપ બ્રિટનમાં તેમના રોકાણ દરમિયાન ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલી હતી? તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સાથે અમૃતપાલને વિદેશથી મળેલા ફંડિંગમાં કિરણદીપની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, અમૃતપાલ બોર્ડર દ્વારા વિદેશ ભાગી શકે છે. આ સ્થિતિમાં નેપાળ અને પાકિસ્તાન બોર્ડર પર SSB અને BSFને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજસ્થાનથી લઈને ઉત્તરાખંડ સુધી દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમૃતપાલના 154 સમર્થકો અને સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. તેના કાકા સહિત કેટલાક લોકોને આસામની ડિબ્રુગઢની જેલમાં પણ રાખવામાં આવ્યા છે.
સરબજીત કલસીની પત્ની પહોંચી હતી હાઈકોર્ટ
અમૃતપાસના સહયોગી સરબજીત કલસી ઉર્ફે દલજીતની પત્નીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી છે. જેમાં તેણે દલજીત પર લાદવામાં આવેલ એનએસએ રદ કરવાની માંગ કરી છે. અમૃતપાલ ફરાર થયા બાદ પોલીસે કલસીની ધરપકડ કરી હતી. હાલમાં તેને આસામના ડિબ્રુગઢ જિલ્લામાં રાખવામાં આવ્યો છે.
આ રીતે કાર બદલીને પોલીસને ચકમો આપી
જણાવી દઈએ કે, 18 માર્ચે અમૃતપાલ સૌથી પહેલા પોતાની મર્સિડીઝ કારમાં ભાગ્યો હતો. ત્યાર બાદ થોડા સમય પછી એક અન્ય વીડિયો સામે આવ્યો હતો જેમાં અમૃતપાલ બ્રેઝા કારમાં જોવા મળે છે. જેનો અર્થ છે કે, અમૃતપાલે પોલીસને ચકમો આપવા માટે કાર બદલી હતી. સામે આવેલા ત્રીજા વીડિયોમાં અમૃતપાલ પણ બ્રેઝા કારમાંથી બહાર નીકળી જાય છે અને એક બાઇક પર બેસીને સવારી કરે છે. અમૃતપાલનો આ છેલ્લો વીડિયો છે જે પોલીસ પાસે છે. ત્યાર બાદ અમૃતપાલનો કોઈ પત્તો લાગ્યો નથી. તેની સાથે બે ખાસ સગરીતો પણ છે, જે હંમેશા તેની સાથે જોવા મળે છે.
ગુરુદ્વારામાં લંગર ખાધું અને કપડાં બદલ્યાં
પોલીસે અમૃતપાલનો પીછો તેના અમૃતસરના જુલ્લુ ખેરા ગામમાંથી શરૂ કર્યો હતો. 7 થી 8 કિલોમીટર દૂર હરિકે ખાતે નાકાબંધી કરવામાં આવી હતી. અમૃતપાલની ધરપકડ કરવાની યોજના હતી. અમૃતપાલે શરૂઆતમાં જ રૂટ બદલી નાખતાં પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે મોગા રોડ પર બીજી નાકા બંધી કરી હતી. અહીં પણ અમૃતપાલ યુ-ટર્ન લઈને એક ગામમાં પ્રવેશ્યો હતો. પંજાબ પોલીસની ત્રીજી ટીમે તેનો પીછો શરૂ કર્યો. ત્યાં સુધી અમૃતપાલ જલંધરમાં પ્રવેશી ચૂક્યો હતો. રસ્તામાં એક જગ્યાએ ભીડનો લાભ લઈને અમૃતપાલ બ્રેઝા કારમાંથી ભાગી ગયો. તે સીધો પોતાના ગામથી લગભગ 35 કિલોમીટર દૂર નાંગલ અંબિયાના ગુરુદ્વારા પહોંચ્યો હતો. અહીં અમૃતપાલે લંગર ખાધું અને કપડાં બદલ્યાં હતાં. અહીં તેણીએ જીન્સ અને સફેદ શર્ટ અને ગુલાબી પાઘડી પહેરી હતી. ત્યારબાદ બાઇક મુકીને ભાગી ગયો હતો.