ખાલિસ્તાની સમર્થક અને 'વારિસ પંજાબ દે' ચીફ અમૃતપાલ સિંહના સૌથી નજીકના સહયોગી પપ્પલપ્રીત સિંહની આખરે ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે સોમવારે અમૃતસરના કથુનંગલથી તેની ધરપકડ કરી હતી. ગયા મહિને પોલીસને ચકમો આપીને જલંધરથી નાસી છૂટ્યા બાદ બંને સતત સાથે હતા. આઈજી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, પપ્પલપ્રીત સિંહ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ) લાદવામાં આવ્યો છે. તેની સામે 6 કેસ નોંધાયેલા છે. તેને ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે.



સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે અમૃતસરમાં તેના ગામમાં આવીને આત્મસમર્પણ કરવા માંગતો હતો પરંતુ તે પહેલા પંજાબ પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરી હતી.

18 માર્ચથી હતો ફરાર

અમૃતપાલ અને પપ્પલપ્રીત બંને 18 માર્ચથી ફરાર હતા. તે જ દિવસે પંજાબ પોલીસે તેને શોધવાનું શરૂ કર્યું. 23 ફેબ્રુઆરીએ લવપ્રીત તુફાનની મુક્તિની માંગણી સાથે અમૃતપાલના સમર્થકો અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયાના ત્રણ અઠવાડિયા પછી પોલીસ ક્રેકડાઉન આવ્યું.

બંનેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા

ત્યારથી બંને સાથે હતા. બંને પટિયાલા, કુરુક્ષેત્ર અને દિલ્હીમાં સાથે હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ સિવાય બંનેનો એનર્જી ડ્રિંક પીતો ફોટો પણ વાયરલ થયો હતો.

અમૃતપાલે સરબત ખાલસાની બેઠક બોલાવવાની કરી હતી માંગ

અમૃતપાલ સિંહ, જે હજુ પણ ધરપકડથી બચી રહ્યો છે, તેણે માર્ચના અંતમાં 'સરબત ખાલસા' નામની શીખોની બેઠકની માંગ કરી હતી. અમૃતપાલનો આ વીડિયો જાહેર થયા બાદ પંજાબ પોલીસે 14મી એપ્રિલે બૈસાખીની ઉજવણી સુધી રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરી દીધી છે. અમૃતપાલે શીખ સંસ્થા અકાલ તખ્તને બૈસાખીના અવસર પર પંજાબના ભટિંડામાં "સરબત ખાલસા" બેઠકનું આયોજન કરવા વિનંતી કરી હતી.

અકાલ તખ્તે આત્મસમર્પણ માટે કહ્યું

દરમિયાન, અકાલ તખ્ત (શિખોની સર્વોચ્ચ ટેમ્પોરલ સીટ) ના જથેદારે ભાગેડુ અમૃતપાલ સિંહને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા અને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે. ગયા અઠવાડિયે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસને ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે, અમૃતપાલ સિંહ તેમને વારંવાર કેવી રીતે છટકી શકે છે. તેને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા ગણાવતા હાઈકોર્ટે પંજાબ સરકારને પૂછ્યું- તમારી પાસે 80,000 પોલીસકર્મીઓ છે. તેઓ શું કરી રહ્યા હતા. અમૃતપાલ સિંહ કેવી રીતે ભાગી ગયો? પંજાબ સરકારે મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને કહ્યું હતું કે, તે અમૃતપાલ સિંહને પકડવાથી હાથવેંત જ દૂર છે.