વારિસ પંજાબ દેનો વડો અને ખાલિસ્તાનનો કટ્ટર સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહની નવી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અમૃતપાલની સાથે તેનો પાર્ટનર પપ્પલપ્રીત સિંહ છે. બંનેના હાથમાં એનર્જી ડ્રિંકની બોટલ છે. જે પંજાબ પોલીસના ગાલ પર સણસણતા તમાચા સમાન છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તસવીર અમૃતપાલની છેલ્લી તસવીર છે જ્યારે તેની વિરુદ્ધ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે પંજાબ પોલીસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ સૂત્રોને ટાંકીને સમાચાર છે કે, અમૃતપાલ સિંહ નેપાળ ભાગી ગયો છે અને તેની ધરપકડ કરવા માટે ભારત તરફથી પત્ર લખવામાં આવ્યો છે.

તસવીરમાં અમૃતપાલ અને તેના સાથીદારના હાવભાવ જોઈને ક્યાંયથી એવું લાગતું નથી કે તેને પોલીસનો કોઈ ડર છે. તસવીરમાં અમૃતપાલે મરૂણ રંગની પાઘડી અને સ્વેટશર્ટ પહેરેલ છે. તેણે ડાર્ક ચશ્મા પણ પહેર્યા છે અને એનર્જી ડ્રિંક પીતી વખતે બેદરકાર દેખાય છે.

ક્યારે લેવામાં આવી છે આ તસવીર?

જો આ તસવીર હાલની છે. જે સ્પષ્ટપણે પંજાબ પોલીસની નિષ્ફળતા દર્શાવે છે. પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ વિરુદ્ધ એક અઠવાડિયાથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ અમૃતપાલ અને તેના સાથી પપ્પલપ્રીત હજુ સુધી પકડાયા નથી.

શીખ સંગઠનોનું સરકારને અલ્ટીમેટમ

બીજી તરફ, શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર જ્ઞાની હરપ્રીત સિંહ દ્વારા પંજાબમાં પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં 60 થી 70 શીખ સંગઠનોએ ભાગ લીધો હતો. જેમણે બેઠક બાદ જણાવ્યું હતું કે, સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જો ધરપકડ કરાયેલા યુવાન શીખોને છોડવામાં નહીં આવે તો મોટી કાર્યવાહી થઈ શકે છે.

બીજી તરફ એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે કે, અમૃતપાલ સિંહ નેપાળમાં છુપાયો છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, તે નેપાળમાં છે અને ત્યાંથી ત્રીજા દેશમાં ભાગી ગયો હોઈ શકે છે. આ સ્થિતિમાં ભારતે નેપાળ સરકારને વિનંતી કરી છે કે, ભાગેડુ અમૃતપાલ સિંહને કોઈ ત્રીજા દેશમાં ભાગી જવા ના દેવામાં આવે. તેમજ જો તે ભારતીય પાસપોર્ટ કે અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ થવી જોઈએ.

કાઠમંડુ પોસ્ટ અખબાર અનુસાર, કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે શનિવારે કોન્સ્યુલર સેવા વિભાગને મોકલેલા પત્રમાં સરકારી એજન્સીઓને વિનંતી કરી હતી કે જો તે નેપાળથી ભાગી જવાનો પ્રયાસ કરે તો અમૃતપાલ સિંહની ધરપકડ કરે.