નવી દિલ્હીઃપંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા એચએસ ફુલ્કાએ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા આતંકી હુમલા માટે સૈન્ય અધ્યક્ષ વિપિન રાવતને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, સૈન્ય અધ્યક્ષ વિપિન રાવત પંજાબમાં આવીને બોલી ગયા હતા કે રાજ્ય પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. બની શકે છે કે તેમણે જ પોતાના લોકો પાસે વિસ્ફોટ કરાવ્યો હોય જેથી તેમનું નિવેદન ખોટું સાબિત ના થાય.


બીજી તરફ ફુલ્કાના આ નિવેદનની કોગ્રેસે ટીકા કરી હતી. પંજાબ કોગ્રેસના પ્રવક્તા રાજકુમાર વેરકાએ ફુલ્કાને માનસિક અસ્થિર ગણાવતા કહ્યું કે, આર્મી ચીફ અને સૈનિક આપણી શાન છે. તેમના વિશે આ પ્રકારના નિવેદન આપીને ફુલ્કાએ દેશની આર્મી અને આર્મી ચીફનું અપમાન કર્યું છે. કોગ્રેસે ફુલ્કા માફી માંગે તેવી માંગણી કરી છે.

નોંધનીય છે કે અમૃતસરના રાજાસાંસી ગામમાં રવિવારે સવારે એક વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 22 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટની તપાસ માટે એનઆઇએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે, બે બાઇક સવારો આવ્યા હતા અને તેમણે ગ્રેનેડ ફેકી ભાગી ગયા હતા. યુવકોએ સત્સંગ દરમિયાન ગ્રેનેડ ફેંક્યા હતા.