અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટનાને લઇને રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રમાંથી કોઇ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હકીકત એ છે કે દશેરા કમિટિએ પત્ર લખીને પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી હતી. સાથે પોલીસે દશેરા કાર્યક્રમ આયોજીત કરવાની મંજૂરી પણ આપી હતી. આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર દલજીત સિંહે દશેરા કમિટિને આપેલા જવાબમાં કહ્યું હતું કે, પોલીસને દશેરા કાર્યક્રમના આયોજનને લઇને કોઇ વાંધો નથી.


આ બંન્નેના પત્ર સામે આવ્યા બાદ સ્પષ્ટ થઇ જાય છે કે દશેરા કમિટિ તરફથી સ્થાનિક વહીવટીતંત્રને જાણકારી આપવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી પરંતુ એનઓસી આપવા છતાં કાર્યક્રમ સ્થળ પર શુક્રવારે પોલીસની હાજરી જોવા મળી નહોતી અને જેને કારણે એક મોટી દુર્ઘટના થઇ હતી.

જોકે, અમૃતસર નગર નિગમની વાત કરવામાં આવે તો તેમના તરફથી દશેરા ઉત્સવના આયોજનની મંજૂરી આપવામાં આવી નહોતી. અમૃતસર નગર નિગમ કમિશનર સોનાલી ગિરીએ જણાવ્યું હતું કે, નગર નિગમે આવી કોઇ આયોજનની મંજૂરી આપી નહોતી. સોનાલી ગિરીએ જણાવ્યું કે, છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે મોટા પ્રમાણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, વહીવટીતંત્ર તરફથી આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નહોતી તેમ છતાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રે રેલવેને રાવણ દહનની કોઇ જાણકારી આપી નહોતી.