અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોઇ રહ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થયેલી ટ્રેને 61 લોકોને કચડી દીધા હતા. પણ સવાલ એ થાય છે કે શું આખરે લોકોની આટલી ભીડ ટ્રેનના ડ્રાઇવરને દેખાઇ નહોતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરે જણાવ્યું કે, રાવણ દહનને કારણે આસપાસ ઘણો ધૂમાડો હતો. ઘટનાસ્થળ પર લાઇટની પણ વ્યવસ્થા નહોતી. એટલા માટે કોઇ દેખાતુ નહોતું. રેલવે અધિકારીનું કહેવું છે કે ત્યાં ખૂબ ધૂમાડો હતો જેને કારણે ડ્રાઇવર કાંઇ જોવામાં અસમર્થ હતો. તે સિવાય ટ્રેન વળાંક મારી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી, રેલવે અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.
રેલવેના કહેવા અનુસાર, રાવણ દહન જોવા માટે આટલી મોટી સંખ્યામાં રેલવેના પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો હતો અને આ કાર્યક્રમ માટે રેલવે દ્ધારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. અમૃતસર વહીવટીતંત્ર પર આ દુર્ઘટનાની જવાબદારી નાખતા સતાવાર સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની પણ હાજર રહી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, અમને આ અંગેની જાણકારી આપવામાં આવી નહોતી અને અમારી તરફની કાર્યક્રમની કોઇ મંજૂરી પણ અપાઇ નહોતી. સ્થાનિક વહીવટીતંત્રએ જવાબદારી લેવી જોઇએ. કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રએ કાર્યક્રમની કોઇ સૂચના રેલવે વિભાગને આપી નહોતી. જો રેલવેને જાણકારી આપવામાં આવી હોત તો રેલવે દ્ધારા ગાઇડલાઇન નિશ્વિત રીતે જાહેર કરવામાં આવી હોત. ટ્રેનની ઝડપ અંગે તેમણે કહ્યું કે, સ્પીડ પર નિયંત્રણ ટ્રેકના આધારે લગાવવામાં આવે છે નહી કે ભીડને જોઇને.