પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવના નાના દીકરી તેજસ્વી યાદવ રાજનીતિમાં આવતા પહેલા ક્રિકેટર હતા. તેમનું સપનું ભારત માટે એક સફલ ક્રિકેટર બનવાનું હતું. પરંતુ નસીબને કંઈ બીજુ જ મંજૂર હતું અને તેજસ્વી બિહારના સ્ટાર રાજનેતા બની ગયા છે. તેજસ્વી ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડની ટીમ માટે રમતા હતા. તેમણે વર્ષ 2009માં ઝારખંડ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેજસ્વી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે અંડર 19 વર્લ્ડકપ પણ રમ્યા હતા. વર્ષ 2008માં રમાયેલ અંડર 19 વર્લ્ડકપમાં તેજસ્વી ભારતીય અંડર 19નો ભાગ હતા.


ઉપરાંત તેજસ્વી આઈપીએલ પણ રમી ચૂક્યા છે. આઈપીએલમાં તેજસ્વી દિલ્હી ડેયરડેવિલ્સની ટીમનો ભાગ હતા. પરંતુ એક પણ મેચ રમી ન શક્યા. તેજસ્વી ચાર સીઝન સુધી દિલ્હી ડેયરડેવિલ્સ ટીમમાં રહ્યા. તે સ્પિનની સાથે સાથે સીમ બોલિંગ પણ કરી શકતા હતા અને નીચલે ક્રમે બેટિંગ પણ કરી શકતા હતા, આ રીતે તે એક ઓલરાઉન્ડર રહ્યા, પરંતુ ક્યારેય દિલ્હીની આઈપીએલ ટીમના પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન બની શક્યા.

પોતાની નાની કારકિર્દીમાં તેજસ્વીએ 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને એ ઇનીંગમાં 19 રન જ બનાવ્યા. ઉપરાંત 2 લિસ્ટ એ મેચ અને 4 ટી20 મેચ પણ તેજસ્વીના ખાતામાં છે. જણાવીએ કે, ક્રિકેટથી અલગ થયા બાદ વર્ષ 2014માં તેજસ્વીએ ફેસબુક પર વિરાટ કોહલી સાથેની એક તસવીર શેર કરી હતી અને કોહલીને દૃઢ નિશ્ચયી અને આત્મવિશ્વાસવાળો ક્રિકેટર ગણાવ્યો હતો. પોતાની ક્રિકેટ કારકિર્દીના જમાનામાં તેજસ્વી ધોનીની જેમ લાંબા લાંબા વાળ રાખતા હતા.