Anantnag Encounter: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં બુધવારે (13 સપ્ટેમ્બર) આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં બે આર્મી ઓફિસર છે અને એક જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી છે.






અનંતનાગમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું.  સેના અને પોલીસ પાકિસ્તાની આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે. જો કે એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.






ભારતીય સેનાના અધિકારીએ કહ્યું હતું કે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કર્નલ અને મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપીએ દેશ માટે બલિદાન આપ્યું હતું. આતંકવાદી સંગઠન TRF એ અનંતનાગ હુમલાની જવાબદારી લીધી છે.


કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા


તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટના કમાન્ડિંગ કર્નલ મનપ્રીત સિંહ, આરઆરના મેજર આશિષ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ આતંકીઓની ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર દરમિયાન ત્રણેય શહીદ થયા હતા.


નોંધનીય છે કે બુધવારે રાત્રે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કરતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં આર્મી ઓફિસર ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા.


અધિકારીએ કહ્યું હતું કે ગડોલે વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ રાત્રે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. કર્નલ સિંહે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.  જોકે, આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.


મેજર આશિષ હરિયાણાના રહેવાસી હતા.


મેજર આશિષ મૂળ હરિયાણાના પાણીપતના બિંજૌલ ગામના રહેવાસી હતા. હાલમાં તેમનો પરિવાર પાણીપતના સેક્ટર-7માં ભાડાના મકાનમાં રહે છે. હુમાયુ ભટ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસના નિવૃત્ત આઈજી ગુલામ હસન ભટ્ટના પુત્ર છે.


મહેબૂબા મુફ્તીએ શોક વ્યક્ત કર્યો


જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ જવાનોની શહીદી પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે  "અનંતનાગમાં આજે શહીદ થયેલા સૈનિકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હિંસાના આવા ધિક્કારપાત્ર કૃત્યો માટે કોઈ સ્થાન નથી."


જનરલ વીકે સિંહે શોક વ્યક્ત કર્યો


ત્રણ સૈનિકોની શહાદત પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે કહ્યું, "સેના મેડલ પુરસ્કારથી સન્માનિત કર્નલ મનપ્રીત સિંહ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયા. આ દુખદ સમાચારથી દેશ આઘાતમાં છે. શહીદ કર્નલ મનપ્રીત સિંહની શહાદતને નમન કરતા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપે.