નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પુષ્પા શ્રીવાની જીભ લપસતા શરમમાં મુકાઇ ગઇ હતી. વાસ્તવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુષ્પા શ્રીવાનીએ કહ્યું કે, અમારી સરકારનું લક્ષ્ય આંધ્રપ્રદેશમાં ભ્રષ્ટ શાસન આપવાનું છે. આ સાંભળી ત્યાં હાજર સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં નાયબ મુખ્યમંત્રી કહેવા માંગતા હતા કે તેમની સરકારનું લક્ષ્ય ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું છે.


આ મામલામાં વિપક્ષી પાર્ટી ટીડીપીએ નિશાન સાધતા કહ્યુ હતું કે, અમે ડિપ્ટી મુખ્યમંત્રીના નિવેદન સાથે સહમત છીએ. ટીડીપીએ પોતાના સતાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે તમારા લક્ષ્યની જાણકારી આપવાને લઇને ધન્યવાદ મેડમ, અમે તમારા નિવેદન સાથે  સહમત છીએ. નોંધનીય છે કે મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સરકાર સંભાળ્યા બાદ પાંચ ડિપ્ટી સીએમની નિમણૂક કરી હતી. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીના નેતૃત્વમાં વાઇએસઆર કોગ્રેસે 151 બેઠકો જીતી હતી અને ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી ફક્ત 23 બેઠકોમાં સમેટાઇ ગઇ હતી.