Andhra Pradesh : ગુજરાત સરકાર (Gujarat Govt.)ની  ટેબ્લેટ યોજના (Namo e-tablet scheme) નો આંધ્રપ્રદેશ સરકારે અમલ કર્યો છે. આંધ્રપ્રદેશની વાયએસ જગનમોહન રેડ્ડી (YS Jaganmohan Reddy)ની સરકારે સપ્ટેમ્બરમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે 4.7 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ(Tablet)નું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.હાલમાં ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલા અને 2025 માં CBSE ધોરણ-10 ની પરીક્ષામાં આપનાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે.


 BYJU સાથે પણ કરાર 
આંધ્ર પ્રદેશ સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષણ અને ટેકનોલોજી કંપની BYJU સાથે પણ કરાર કર્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે BYJU સાથેના સહયોગથી સરકાર ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનું સ્વપ્ન સાકાર કરવામાં સક્ષમ બનાવશે.


તેમણે કહ્યું કે બાયજુ દ્વારા આપવામાં આવતી સામગ્રી બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિષયને સમજવામાં સરળતા આપશે અને વધુ સારા પરિણામો મેળવવામાં પણ મદદ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ શૈક્ષણિક સામગ્રી રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 4 થી 10 વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થશે.


500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે આંધ્ર સરકાર 
આંધ્રપ્રદેશ સરકારે કહ્યું કે આ યોજનાનો હેતુ રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ડિજિટલ માહિતી વધારવાનો છે. જેના માટે સરકારે રાજ્યના 4.7 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સરકારે 500 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ ઉપરાંત, આંધ્ર પ્રદેશ સરકારે પણ વિદ્યાર્થીઓની ડિજિટલ સમજ વધારવા માટે આગામી શૈક્ષણિક સત્રથી દરેક વર્ગખંડમાં ટીવી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.


ગુજરાત અને આંધ્રની ટેબ્લેટ યોજના 
ગુજરાત સરકાર અને આંધ્ર સરકારની ટેબ્લેટ યોજના વચ્ચે બહુ તફાવત નથી. ગુજરાત સરકારે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના ‘નમો ઈ-ટેબ્લેટ યોજના’ શરુ કરી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉચ્ચ અભ્યાસક્રમ માટે સારી રીતે ઉપયોગ કરી શકે અને તેમના શૈક્ષણિક હેતુઓને સિધ્ધ કરવા ટેબલેટનો ઉપયોગ કરી શકે એ છે.


ગુજરાત અને આંધ્રની ટેબ્લેટ યોજના વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે ગુજરાત સરકાર રૂ.1000ના ટોકન દરે ટેબ્લેટ આપે છે, ક્યારે આંધ્ર સરકાર ફ્રીમાં ટેબ્લેટ આપશે એવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે છે, જયારે આંધ્ર સરકારે 2025માં બોર્ડમાં સામેલ થનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી હાલ ધોરણ-8ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી છે.