નવી દિલ્લી: રિલાયંસ કેપિટલના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે તેમના પુત્ર અનમોલ અંબાણીને કંપનીના નવા ડાયરેક્ટર તરીકેની જાહેરાત કરી છે. અનિલ અંબાણીએ પોતાના પુત્રને ભાગ્યશાળી બતાવતા કહ્યું અનમોલ જ્યારથી કંપની સાથે જોડાયો છે ત્યારથી કંપનીના શેરમાં 40 ટકાનો વધારો થયો છે. અનિલ અંબાણીએ કહ્યું અનમોલ યુવાન છે જે રિલાયંસ કેપિટલના ભાવી ગ્રાહકો,શેર ધારકો,કર્મચારીઓ અને કંપની સાથે જોડાયેલા લોકોને સમજી શકે છે. 24 વર્ષના અનમોલને રિલાયંસ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર બનાવ્યો છે. પિતા અનિલ અંબાણી બાદ અનમોલ પરિવારના બીજા સદસ્ય છે જે રિલાયંસ કેપિયલ સાથે જોડાયા છે.

બ્રિટનના વારવિક સ્કૂલમાંથી બે વર્ષના અભ્યાસ બાદ અનમોલ એક મહિના પહેલા જ રિલાયંસ કેપિટલ બોર્ડમાં એડિશ્નલ ડાયરેક્ટર તરીકે જોડાયો હતો. અનમોલને પ્રતિમાસ 10 લાખ રૂપિયા પગાર ચુકવવામાં આવશે, તેમજ અન્ય ભથ્થાઓ પણ મળશે. કંપનીના જે નફો થશે તેમાં તેને ભાગીદારી પણ મળશે.