નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે. જેમાં એમ એસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા સહિત અનેક માંગોને પૂર્ણ કરવામાં કેંદ્રની નિષ્ફળતા સામે ફરી ભૂખ હડતાળ કરવાની ચેતવણી આપી છે. આ પહેલા 8 ડિસેમ્બરે કેંદ્રના ત્રણ કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અન્ના હજારે એક દિવસ ઉપવાસ પર હતા.



એટલું જ નહી તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની માંગો પૂર્ણ નહી થાય તો જન આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું હતું કે તત્કાલીન કૉંગ્રેસ સરકારને લોકપાલ આંદોલન દરમિયન હલાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હું ખેડૂતોના વિરોધને પણ એજ રીતે જોઈ રહ્યો છું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન મે પોતાના ગામમાં એક દિવસના ઉપવાસ કર્યા હતા અને ખેડૂતોની માંગને મારૂ સંપૂર્ણ સમર્થન છે.

પોતાના પત્રમાં અન્ના હજારેએ કહ્યું તેમની માંગો પર તત્કાલીન કૃષિ મંત્રી રાધામોહન સિંહે રાલેગણસિદ્ધિમાં આવી લેખિત આશ્વાસન આપ્યું હતું. અત્યાર સુધી તેનું પાલન નથી થયું. તેમણે કહ્યું 'એટલે 5 ફેબ્રુઆરી 2019ના રોકવામાં આવેલા ઉપવાસ ફરી શરૂ કરવાનો વિચાર છે. ટૂંક સમયમાં ઉપવાસ કયાં કરવાના છે, ક્યારે કરવાના છે, તારીખ બધુ નક્કી થયા બાદ લખીને તમને જણાવીશ.'