Places of Worship Act:  દેશમાં ધાર્મિક સ્થળો અને સ્મારકો પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક પછી એક અનેક અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. આ અરજીઓ કરવા પાછળનો પ્રયાસ એ છે કે પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટને નાબૂદ કરવામાં આવે, જેથી તમામ ધાર્મિક સ્થળો દાવા પ્રમાણે બદલી શકાય. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી રહી છે. આ મામલે એક સપ્તાહમાં ચોથી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.






અત્યાર સુધીમાં 7 અરજી દાખલ કરવામાં આવી છે


જાણીતા કથાકાર દેવકી નંદન ઠાકુરે પણ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરજી દાખલ કરતાં તેમણે કહ્યું કે આ કાયદો લોકોને ધાર્મિક અધિકારોથી વંચિત રાખે છે. એટલા માટે આ કાયદામાં ફેરફાર થવો જોઇએ અથવા તેને નાબૂદ કરવો જોઈએ. આ મામલે અત્યાર સુધીમાં કુલ 7 અરજીઓ દાખલ કરવામાં આવી છે. અગાઉ અશ્વિની ઉપાધ્યાય, સુબ્રમણ્યમ સ્વામી, જિતેન્દ્રાનંદ સરસ્વતી દ્વારા પણ આવી જ અરજીઓ કરવામાં આવી છે. વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર 12 માર્ચ 2021ના રોજ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સરકારે હજુ સુધી જવાબ દાખલ કર્યો નથી.


શું કહ્યું હતું અરજીમાં?


ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને  નોટિસ જાહેર કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે  જ્યારે 1991માં પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે અયોધ્યા સાથે જોડાયેલો મામલો પહેલેથી કોર્ટમાં પેન્ડિંગ હતો જેના કારણે તેને અપવાદ રાખવામાં આવ્યો હતો.  પરંતુ કાશી-મથુરા સહિત અન્ય તમામ ધાર્મિક સ્થળો માટે કહેવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ બદલાઈ શકે નહીં. આ પ્રકારનો કાયદો ન્યાયનો માર્ગ બંધ કરવા સમાન છે. તેમણે અરજીમાં કહ્યું હતું કે કોઈપણ મુદ્દાને કોર્ટમાં લાવવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ 'પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ' આ અધિકારને વંચિત કરે છે.