નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈમાં વેક્સિનેશ અભિયાન તેજ ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દેશને વધુ એક નવું હથિયાર મળ્યું છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટ COVID-19 રસીને ઉપયોગ માટે મંજૂરી આપી છે. DGCI દ્વારા સ્પુતનિક લાઇટ સિંગલ ડોઝ રસીની મંજૂરી પછી, હવે ભારતમાં ઉપયોગ માટે મંજૂર કરાયેલી રસીની સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે DGCIએ ભારતમાં કટોકટીના ઉપયોગ માટે સ્પુતનિક લાઇટ કોવિડ-19 રસી મંજૂર કરી છે. તેમણે કહ્યું કે દેશમાં આ નવમી કોવિડ 19 રસી છે અને આ રોગચાળા સામે ચાલી રહેલી લડાઈને વધુ મજબૂત બનાવશે.


તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના વિષય નિષ્ણાતે દેશમાં ઉપયોગ માટે સિંગલ-ડોઝ રસીની ભલામણ કરી હતી. આ રસીની સૌથી મહત્વની વાત એ છે કે તેનો એક ડોઝ લગાવ્યા પછી બીજા ડોઝની જરૂર નહીં પડે. અત્યાર સુધી દેશમાં વપરાતી તમામ રસીઓ ડબલ ડોઝની હતી.




જણાવી દઈએ કે સ્પુતનિક લાઇટ સિંગલ-ડોઝ રસી પહેલા દેશમાં કોવાશિલ્ડ, કોવેક્સિન, કોવોવેક્સ તેમજ કોબાવેક્સ, મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન અને જી-કોવ-ડી રસી મંજૂર કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી માત્ર કોવેક્સિન, કોવિશિલ્ડ માત્ર સ્પુતનિક V નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.


એક અહેવાલ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ લોકો કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. ત્યારબાદ ભારત બાયોટેકની કોવેક્સિન બીજા નંબરે છે, જ્યારે રશિયાની સ્પુતનિક V ત્રીજા નંબરે છે. કોવિન પ્લેટફોર્મ મુજબ 19 જાન્યુઆરી સુધી કુલ 137 કરોડ.21 લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો છે.