નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તોફાન થઇ ગયા હતા. અલીગઢના ઉપરકોટ કોતવાલી ક્ષેત્રમાં સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને નિયંત્રણ કરવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ વચ્ચે એક પ્રદર્શનકારી યુવકને ગોળી વાગી ગઇ હતી જેને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પથ્થર વાગવાના કારણે આરએએફનો એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો હતો. ડીએમએ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.


કહેવામાં આવી રહ્યુ છે કે પ્રદર્શનકારી યુવકોએ તુર્કમાન ગેટની પાસે એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઇ હતી. પ્રદર્શનકારીઓની સંખ્યા સેંકડોમાં હતા. બીજી તરફ કોતવાલીના બાબરી મંડીમાં બે કોન્સ્ટેબલો ઘેરાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ અધિકારી આરએએફ અને પીએસસી દળની સાથે બાવરી મંડી માટે રવાના થયા હતા. આ દરમિયાન રસ્તામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટિયર ગેસના શેલ છોડ્યા હતા.

ડીએમ ચંદ્રભૂષણ સિંહે કહ્યુ કે, શાહજમાલમાં ઇદગાહ બહાર સીએએ,એનપીઆર અને એનઆરસીના વિરોધમાં મહિલાઓ અને બાળકોનું ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. બે દિવસ અગાઉ મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇને ઉપરકોટ કોતવાલી ક્ષેત્રમાં આવ્યા હતા અને કોતવાલી બહાર બેસી ગયા હતા. પોલીસ અને પ્રશાસન સતત મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ વચ્ચે રવિવારે પોલીસની ગાડી પર પથ્થરમારા બાદ હિંસક પ્રદર્શનની સ્થિતિ બની ગઇ હતી.તેમણે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારી મહિલાઓને ભડકાવવા પાછળ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થીઓનો હાથ છે. તેમની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.