નવી દિલ્હી: દિલ્હીના શાહીનબાગ બાદ ચાંદ બાગ અને જાફરાબાદમાં પણ પ્રદર્શનકારીઓએ CAAના વિરોધમાં રસ્તાઓ બંધ કર્યા છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોડી રાત્રે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી અને રસ્તો બંધ કર્યો હતો. આ મહિલાઓ CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.


CAA સામે વિરોધ પ્રદર્શનના કારણે શાહીનબાગ કાલિંદી કુંજ સરિતા વિહાર રોડ, વજીરાબાદ, ચાંદ બાદ રોડ અને મૌજપુર-જાફરાબાદ રોડ બંધ થઈ ગયો છે.


મૌજપુરના કબીર નગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. પથ્થરમારાને કારણે તે વિસ્તારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. આ સિવાય જાફરાબાદમાં પણ સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે.


કબીરનગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધી એક બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા, જેના કારણે ત્યાંના રસ્તામાં ભાગદોડ મચી ગઈ છે. આ પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ બંન્ને પક્ષો તરફથી થઈ રહેલા પથ્થરમારાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે.

મહત્વનું છે કે મૌજપુરમાં જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાના સમર્થક ભેગા થયા છે ત્યાંથી માત્ર અડધો કિલોમીટર દૂર જાફરાબાદમાં સીએએના વિરોધી ભેગા થયા છે.

ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જવા સુધી અમે શાંતિથી જઈ રહ્યા છીએ. આ દરમિયાન સીએએ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પાસે જાફરાબાદ અને ચાંદ બાગના રસ્તાઓ ખાલી કરાવે, ત્યારબાદ અમને ન સમજાવતા. અમે તમારી પણ નહી સાંભળીએ. હવે માત્ર ત્રણ દિવસ છે.