ચંદીગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપીને કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના હતા પણ એક ફ્લાયઓવર પર ફસાઈ જતાં છેલ્લી ઘડીએ આ કાર્યક્રમને મોકૂફ રખાયો હતો. પહેલાં હવામાન ખરાબ હોવાનું તથા  વરસાદ પડી રહ્યો હોવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું બહાર આવ્યું હતું પણ પછી સ્પષ્ટતા કરાઈ હતી કે, સુરક્ષામાં ચૂક થવાની આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લોક કરી દેતા મોદીના કાફલાએ રોકાઈ જવું પડ્યું હતુ.  


કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સત્તાવાર રીતે આ અંગે નિવેદન આપીને પંજાબ સરકાર પર દોષોરાપણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પંજાબ સરકાર પાસે જવાબ પણ માગવામાં આવ્યો છે. ભાજપે આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માગ્યું છે.







આ ઘટનાને પગલે ભઠિંડા એરપોર્ટ પર પહોંચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના અધિકારીઓને કટાક્ષમાં કહ્યું હતું કે, હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો , તે માટે તમારા ચીફ મિનિસ્ટરને થેન્કસ કહેજો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરના પ્રવાસે હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો.


કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત લીધા પછી વડાપ્રધાનનો આ પંજાબનો પ્રથમ પ્રવાસ હતો. દિલ્હીમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધના આંદોલનમાં મોટા ભાગના ખેડૂતો પંજાબના હતા. પીએમ મોદી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે, અમૃતસર-ઉના ખંડને ફોર લેનમાં બદલવા, મુકેરિયા-તલવાડા નવી મોટી રેલવેલાઈન, ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજની સ્થાપના સંબંધી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા.


કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, પીએમ મોદી સવારે ભટિંડા પહોંચ્યા હતા. મોદીએ ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું પણ વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે પહેલાં મોદીએ 20 મિનિટની રાહ જોવા પડી હતી. પછીથી આકાશ સાફ ન દેખાતાં રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો અને તેમાં લગભગ 2 કલાકનો સમય લાગવાનો હતો. જો કે સુરક્ષામાં ચૂક થતાં મોદી પહોંચી ના શકતાં કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.