કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય જવાનોએ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (બેટ) તરફથી કરવામાં આવી રહેલા ઘૂસણખોરી પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. આ કાર્યવાહીમાં પાંચથી સાત ઘૂસણખોરો માર્યા ગયા હતા. એલઓસી પર કેરન સેક્ટરમાં માર્યા ગયેલા ઘૂસણખોરોમાં પાકિસ્તાની સેનાના જવાન અને આતંકીઓ પણ સામેલ છે. ઘૂસણખોરો પાસેથી સ્નાઇપર રાઇફલ, આઇઇડી અને પાકિસ્તાની માર્કાવાળો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાની બેટ ટીમમાં સૈન્ય અને આતંકીઓ સામેલ હોય છે જે ભારત વિરુદ્ધ ગતિવિધિઓને અંજામ આપે છે.


ભારતીય સૈન્યએ કર્યું કે, છેલ્લા 36 કલાકમાં પાકિસ્તાન તરફથી ઘાટીમાં અશાંતિ ફેલાવવા અને અમરનાથ યાત્રાને નિશાન બનાવવાના અનેક પ્રયાસો થયા છે. સ્પષ્ટ રીતે આતંકી ગતિવિધિઓમાં પાકિસ્તાનનો હાથ હોવાના સંકેત મળ્યા છે. સુરક્ષા દળો પાકિસ્તાનને જવાબ આપવાનું ચાલુ રાખશે.

નોંધનીય છે કે આજે જ પાકિસ્તાને ભારત પર કલસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારતીય સૈન્યએ તેને ખોટું ગણાવ્યુ હતું. સૈન્યએ કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય નિયમિત રીતે આતંકીઓની ઘૂસણખોરી કરવામાં મદદ કરતી રહે છે. ભારતના ડિરેક્ટર ઓફ મિલિટરી ઓપરેશન લેવલની વાતચીતમાં દર વખતે કહ્યું છે કે તેમની પાસે ફાયરિંગનો જવાબ આપવાનો અધિકાર છે. અમે પાકિસ્તાન તરફથી થઇ રહેલી ફાયરિંગને જવાબ આપી રહ્યા છીએ.